જામનગર શહેરના રણજિતસાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા વેપારી યુવાનના બંધ મકાનના તાળાં તસ્કરોએ તોડીને અંદર પ્રવેશ કરી રૂા. 6.50 લાખની રોકડ અને દાગીના મળી કુલ રૂા. નવ લાખની માલમત્તા ચોરીના બનાવમાં સિટી ‘એ’ ડિવિઝને ગણતરીના દિવસોમાં જ તસ્કરને દબોચી લઇ રૂા. 15.67 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પર પટેલ પાર્ક પાછળ આવેલી વૃંદાવન સોસાયટીની શેરી નંબર એકમાં વસવાટ કરતાં તરૂણભાઇ મોહનભાઇ રાયઠઠ્ઠા નામના વેપારી યુવાનના તા. 16 ના રાત્રિથી તા. 17ના સવાર સુધી બંધ રહેલા મકાનમાં તસ્કરોએ ત્રાટકીને મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. લાકડાના કબાટમાંથી રૂા. 6.50 લાખની રોકડ રકમ તેમજ તેની પત્નીનું સોનાનું મંગળસૂત્ર, ત્રણ જોડી બુટી અને ત્રણ સોનાની વિંટી તથા એક સોનાનો ચેઇન, પેન્ડલ મળી કુલ સાત તોલા રૂા. 2.52 લાખની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂા. 9,02,000 માલમત્તા ચોરી કરી ગયાના બનાવ અંગેની વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. કે. બ્લોચ તથા સ્ટાફ દ્વારા એફએસએલ અને ગુનાશોધક શ્વાનની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચોરીના બનાવમાં સંડોવાયેલા તસ્કર અંગેની હે.કો. યોગેન્દ્રસિંહ સોઢા, એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, હે.કો. વિપુલભાઇ સોનગરા, પો.કો. રાજેન્દ્રસિંહ ડોડિયાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, હે.કો. નરેન્દ્રસિંહ ઝાલા, મહિપાલસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિપુલભાઇ સોનગરા, પ્રદીપસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા, કિશોરભાઇ ગાગિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી ચાંદીબજાર સર્કલ પાસેથી બાતમી મુજબનો આછા મરૂન અને સફેદ કલરના ચેક્સવાળો શર્ટ તથા કોફી કલરનું પેન્ટ પહેરેલા શિવા જેરામ વાજેલિયા (ઉ.વ.55) (રહે. નિકાવા, તા. કાલાવડ) નામના તસ્કરને દબોચી લઇ રૂા. 9,17,800ની કિંમતના સોનાના ચોરાઉ દાગીના અને રૂા. 6,50,000ની રોકડ રકમ મળી કુલ રૂા. 15,67,800ની કિંમતની માલમત્તા કબ્જે કરી હતી.
પોલીસ દ્વારા શિવાની પૂછપરછ હાથ ધરાતા શિવા વિરૂઘ્ધ કાલાવડ (શહેર અને ગ્રામ્ય)માં જૂદા જુદા ત્રણ ગુના અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નવ સહિત એક ડઝન ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું.


