દેશમાં બે ધાર્મિક સમુદાયના લોકો વચ્ચે નફરત અને વયમનસ્યતાની ખાઇ પહોળી થવા લાગી છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને છાજે તેવું દ્રશ્ય સામે આવ્યું છે. એક તરફ ધર્મના નામે શાંતિ અને સૌહાર્દતાનો ભંગ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો ખભેખભા મિલાવીને ભાઇચારો જાળવી રાખવા માટે અથાગ પ્રયત્નો કરી રહયા છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે, એક ખાસ સમુદાયના ધાર્મિક સ્થળ સામે લોકો તલવારબાજી અને અપશબ્દોનો પ્રહાર કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, મસ્જિદની ઉપર ભગવા ઝંડા લહેરાવવામાં આવ્યા છે. આવી ઘટનાઓ ભાઈચારા અને ગંગા-જમુની એકતા માટે હાનિકારક છે. જોકે બિહારથી મનને ઠંડક આપે તેવી એક તસવીર પણ જોવા મળી રહી છે. આ તસવીર આપણી એકતાનું પ્રતીક છે અને તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો માનવ શ્રૃંખલા બનાવીને મસ્જિદની રક્ષા કરી રહ્યા છે. રામનવમીના પ્રસંગે બિહારના કટિહાર જિલ્લાના ફકરતકિયા ચોક સ્થિત જામા મસ્જિદ સામે કેટલાક લોકો પ્રેમ અને અદબ દર્શાવીને મસ્જિદ સામે માનવ શ્રૃંખલા સ્વરૂપે ઉભા રહેલા જોવા મળ્યા હતા. આ તસવીર મન-હૃદયને શાંતિ પ્રદાન કરનારી છે. આ તસવીરને લોકોનો ખૂબ જ પ્રેમ પણ મળી રહ્યો છે. લોકો તેના પર ખૂબ જ કોમેન્ટ્સ કરી રહ્યા છે અને તેને શેર પણ કરી રહ્યા છે. એક યુઝરે આ તસવીર શેર કરવાની સાથે લખ્યું હતું કે, આ આપણું હિન્દુસ્તાન છે, જ્યાં પ્રેમ અને તમામ ધર્મો માટે સન્માન છે.