કાલાવડ તાલુકાના સાવલી ગામની સીમમાં આવેલા ખેતરમાં ઘઉંના ભાઠા સળગાવતા સમયે આગની જ્વાળ શરીરે અડી જતાં ગંભીર રીતે દાઝી ગયેલા તરૂણનું કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતાં વૃદ્ધ બીમારી સબબ બેશુદ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના સાવલી ગામની સીમમાં ખેતી કરતા રીયાઝભાઈ સમા નામના યુવાનનો પુત્ર શાહીમ સમા (ઉ.વ.17) નામનો તરૂણ સોમવારે બપોરના સમયે તેના ખેતરમાં ઘઉંના પાકમાં ભાઠા સળગાવતો હતો. તે દરમિયાન આગની જ્વાળ શરીરે અડી જતાં ગંભીર રીતે દાઝી જવાથી તરૂણને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તરૂણનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના િ5તા દ્વારા જાણ કરાતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના બાલાજી પાર્ક 1 વિસ્તારમાં રહેતાં દિનેશભાઈ રામ રોય (ઉ.વ.65) નામના વૃદ્ધ સોમવારે સવારના સમયે તેના ઘરે નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સુધાબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.કે.નારીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.