Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભાદરા નજીક લીઝ હોલ્ડરના પુત્ર સહિતના પાંચ શખ્સો દ્વારા યુવાન ઉપર હુમલો

ભાદરા નજીક લીઝ હોલ્ડરના પુત્ર સહિતના પાંચ શખ્સો દ્વારા યુવાન ઉપર હુમલો

ફોટા અને વીડિયોગ્રાફી કર્યાનો ખાર રાખી છરી-ધોકા અને પાઈપ વડે હુમલો : બે શખ્સોએ રૂા.3.60 લાખની કિંમતના ત્રણ મોબાઇલ તોડી નાખ્યા : ગંભીર હાલતમાં યુવાનને હોસ્પિટલે ખસેડાયો : પોલીસ દ્વારા પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જોડિયા તાલુકાના ભાદરા ગામની સીમમાં આવેલી ઉંડ નદીમાં ફોટા અને વીડિયોગ્રાફી કરતા યુવાનને લીઝ હોલ્ડર સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી ગાળો કાઢી છરી અને ધોકા તથા પાઈપ વડે હુમલો કરી 3.59 લાખના ત્રણ મોબાઇલ ફોન તોડી નાખી નુકસાન પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જોડિયા પંથકમાં ખનીજચોરી બેફામ થઇ રહી છે. અને આ વિસ્તારમાં ભાદરા પંથકમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમજ જોડિયા પંથકમાંથી ખનીજ ચોરી ડામવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે તેમ છતાં ખનીજ ચોરી અટકાવવા માટે જોઈએ તેવી સફળતા મળી નથી. દરમિયાન જોડિયા તાલુકાના ભાદરા ગામની સીમમાં આવેલી ઉંડ નદીમાં રેતીની લીઝ ખાતે ફલાઈંગ સ્કવોર્ડ આવવાની હોય તે સંદર્ભે ગત તા. 16 ના બપોરના સમયે ગોકળભાઈ વરુ નામનો યુવાન આ લીઝ વિસ્તારના ફોટા અને વીડિયોગ્રાફી કરતો હતો. આ ફોટા અને વીડિયોગ્રાફીનો ખાર રાખી યોગેશ ગોઠી (જોડિયા), જીગો ઘેટીયા (બાદનપર), તથા લીઝ ધારક રમીલાબેનનો પુત્ર તેમજ હિતાચી મશીનવાળો અને ત્રીસ વર્ષના અજાણ્યા સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી બાઇક પર આવી ગોકળને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ યોગેશે અને જીગાએ છરી વડે હુમલો કર્યો હતો. તેમજ લીઝ હોલ્ડરના પુત્રએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તથા હિતાચી મશીનવાળા શખ્સે લોખંના પાઈપ વડે ગોકળ ઉપર હુમલો કર્યો હતો.

તેમજ અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વડે યુવાનના ગુપ્તભાગમાં તથા સાથળના ભાગે માર માર હુમલો કર્યો હતો. તેમજ યોગેશ અને જીગાએ ગોકળ પાસે રહેલા રૂા. 3,60,000 ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન તોડી નાખી નુકસાન પહોંચાડયું હતું. આમ પાંચ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં મોબાઇલ તોડી નાખ્યાના બનાવમાં ઈજાગ્રસ્ત ગોકળને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે ઈન્ચાર્જ પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે ગોકળના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular