જામનગર તાલુકાના સીક્કા ગામમાં ગોકુલપુરી વિસ્તારમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા યુવાનને ચાર શખ્સો દ્વારા જુના મનદુ:ખનો ખાર રાખી પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં ગોકુલપુરી વિસ્તારમાં રહેતાં રાજેશ મકવાણા નામના ડ્રાઈવિંગ કરતા યુવાને તેની બાજુમાં રહેતાં ઋષિરાજસિંહ જગદીશસિંહ ચુડાસમા, દિવ્યરાજસિંહ જગદીશસિંહ ચુડાસમા, જગદીશસિંહ ચુડાસમા અને અજાણ્યા સહિતના ચાર શખ્સો દ્વારા અવાર-નવાર રાજેશને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં હતાં. જેથી રાજેશે અપમાનિત કરવાની ના પાડતા બન્ને વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. દરમિયાન ગુરૂવારે રાત્રિના સમયે રાજેશ તેના ઘરની બહાર ઉભો હતો તે દરમિયાન એક અજાણ્યા બાઈકસવારે પૂરપાટ બાઈક ચલાવતા રાડ પાડી હતી. જેથી દિવ્યરાજસિંહે રાજેશને ગાળો કેમ બોલશ ? તેમ કહી પાઈપ વડે માર મારી પછાડી દીધો હતો અને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી હતી. તેમજ ઘરે આવીશ તો પતાવી દેશું તેવી ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા રાજેશના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો કરી ધમકી તથા એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.