પ્રથમ બનાવ, ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં રહેતા ખીમાભાઈ તેજાભાઈ ડોરૂ નામના 40 વર્ષના યુવાને ગઈકાલે ગુરુવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળ્યો હતો. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ રમેશભાઈ તેજાભાઈ ડોરૂએ અહીંની પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજો બનાવ, દ્વારકા તાલુકાના બરડીયા ગામના મૂળ રહેવાસી એવા વેજાભા વિરમભા સુમાણી નામના 20 વર્ષના યુવાને ગઈકાલે ગુરુવારે સાંજે દ્વારકા નજીકના રેલવે ટ્રેક પર પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકીને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા વિરમભા પાલાભા સુમાણીએ દ્વારકા પોલીસને કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા જયાબેન મોહનભાઈ રાઠોડ નામના 75 વર્ષના દેવીપુજક વૃદ્ધા કે જેમને આંખમાં હોવાથી ઓછું દેખાતું હતું, તેઓ સાંજના સમયે ચૂલામાં રસોઈ બનાવતા હતા. ત્યારે ચૂલામાં કેરોસીન નાખતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતા જયાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર હરીશભાઈ મોહનભાઈ રાઠોડએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ચોથો બનાવ, ઓખાના દરીયા લાંગરવામાં આવેલી કામધેનુ નામની બોટમાં મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રહીશ એવા ધર્મેશભાઈ રાજુભાઈ હળપતિ નામના 30 વર્ષના યુવાન ગઈકાલે સવારના સમયે ચા બિસ્કીટ ખાઈને બોટના પાટીયા ઉપર સૂતા હતા, ત્યારે તેમને અચાનક હૃદયરોગનો કાતિલ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ જીગ્નેશભાઈ રમણભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
પાંચમો બનાવ, ઓખાના દરિયામાં બોટની લંગર નાખીને કેબિનમાં સુતેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રહીશ પુનાભાઈ હમીરભાઇ મેવાડા નામના 42 વર્ષીય યુવાન રાત્રિના સમયે પેશાબ-પાણી કરવા ઉઠતાં કોઈ કારણોસર દરિયામાં પડી જવાના કારણે ડૂબી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બાબતની જાણ ઉના તાલુકાના ખંઢેરા ગામના રહીશ કિશનભાઈ બચુભાઈ બાંભણિયાએ ઓખા મરીન પોલીસને કરી છે.