જામનગર શહેરના નાગનાથ ગેઈટ વિસ્તારમાં અનૈતિક સંબંધોના મામલે યુવાન ઉપર પાંચ શખ્સો દ્વારા લાકડાના ધોકા, લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારી હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નાગનાથ ગેઈટ અંબાજી ચોક વિસ્તારમાં રહેતાં અને નોકરી કરતા કપિલ નરેન્દ્ર સોઢા નામના યુવાનને ચાર વર્ષ અગાઉ પરિણીતા સાથે સંબંધ હોવાની જાણ તેણીના પતિને થઈ ગઈ હતી. જે બાબતનો ખાર રાખી સોમવારે રાત્રિના સમયે નાગનાથ ગેઈટ હનુમાન ડેરી પાસેથી પસાર થતા કપિલ સોઢાને આંતરીને રાજેશ પ્રેમજી બારૈયા, દેવેન પ્રેમજી બારૈયા, કપિલ બારૈયા, ધમો, ટીના મિસ્ત્રી નામના પાંચ શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. તેમજ પાંચેય હુમલાખોરોએ ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી તથા ટીના મિસ્ત્રીએ કપિલ અને તેના ભાઈને ગાળો કાઢી ધમકી આપતો હતો. પાંચ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા કપિલને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ આર.પી.અસારી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ પાંચ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી શોધખોળ માટે ગતિમાન કર્યા હતાં.