ભાણવડ નજીક કૃષ્ણગઢ ગામ ખાતે વસવાટ કરતા આહિર સમાજના યુવકે પોતાના લગ્ન પ્રસંગની સાથે ગામમાં જ આવેલી ગૌશાળામાં રૂા.1,61,000 ના ખર્ચે આકર્ષક ગેઈટ બનાવી તેમના દાદા સ્વ. દેવરખીભાઈ વિક્રમભાઈ ડાંગરને શ્રધ્ધાંજલિ આપી હતી. યુવકના કાર્યની ચોમેર પ્રશંસા થવા લાગી છે.
આ અંગેની વિગત એવી છે કે, ભાણવડ કૃષ્ણગઢ ગામે આહિર સવ. દેવરખીભાઇ વિક્રમભાઈ ડાંગરનો પરિવાર વસવાટ કરે છે. પરિવારમાં રાજેશકુમાર હરદાસભાઈ ડાંગરના ગત માર્ચ માસમાં લગ્ન થયા હતાં. લગ્નના દિવસે યુવક રાજેશભાઈએ ગામની ગૌશાળામાં પોતાના સંપૂર્ણ આર્થિક સહયોગ વડે આકર્ષક ગેટ બનાવવાનો સંકલ્પ કરી આ માટે રૂા.1,61,000 નું માતબાર દાન આપ્યું હતું.
બાદમાં ગેટ સંપૂર્ણ તૈયાર થયા બાદ નવા વર્ષના દિને લોકાર્પણ કરાવ્યું હતું. આ પ્રસંગે પરિવારમાં વયોવૃધ્ધ ગંગાસ્વરૂપ દૂધીબેન દેવરખીભાઈ ડાંગરના હસ્તે રિબીન કાપી ગેટને ખુલ્લો મૂકાતા સમગ્ર ગામમાં હર્ષની લાગણી છવાઈ હતી. આ તકે જેતશીભાઇ ડાંગર સહિત પરિવાર હાજર હતો.