જામનગર શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતાં યુવાને બે વ્યાજખોરોના ત્રાસથી અને જાતી પ્રત્યે અપમાનીત કરી ધમકી આપ્યા બાદ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી પાણીના ટાંકા પાસેે રહેતા અને મજૂરીકામ કરતા વસંત ભાઈ રઘુભાઈ ચૌહાણ (ઉ.વ.46) નામના યુવાને વ્યવસાય માટે અનુભાઈ દરબાર અને આઈટીઆઈના સોનપુરા નામના બે વ્યકિતઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતાં અને આ રકમના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મુદ્લ અને વ્યાજ નહીં આપો તો પતાવી દેવાની ધમકી આપી હતી. ઉપરાંત યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. વ્યાજખોરોના વ્યાજ માટેના સતત ત્રાસથી કંટાળીને વસંતભાઈએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં મૃતકના પત્ની ગંગાબેન દ્વારા બન્ને વ્યાજખોરોએ ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની જાણ કરી હતી. જેના આધારે ડીવાયએસપી જે.એસ. ચાવડા તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે બે વ્યાજખોરો વિરુધ્ધ મરી જવા મજબુર અંગે અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.