જામનગરના કાલાવડ નાકા બહાર સંબંધીને ત્યાં રહેતી મહિલાને તલાક બાદ ભરણપોષણ માટે આવેલી રકમ ચોરી થઈ જતાં અદાલતમાં કરેલી અરજીના આધારે પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત એવી છે કે મૂળ જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી અને દોઢ વર્ષ પહેલાં સિક્કામાં લગ્ન થયેલી નસીમબેન નામની મહિલા અને પતિ સાથે મનદુ:ખ થતાં પતિએ તલાક આપી દીધા હતા અને બે લાખ રૂપિયાનું કાયમી ભરણપોષણ આપીને સમાધાન કર્યું હતું. આ મહિલાએ પોતાના પરિવારને જાણ કર્યા વિના પ્રેમલગ્ન કર્યા હોવાથી પરિવારજનો સ્વીકારતા ન હતા. જેથી મહિલા ખીલોસ ગામમાં રહેતા સંબંધી ખતીજાબેન ઇસુબભાઈ લોરૂના ઘરે રહેવા માટે ગઈ હતી. જ્યાં તેણે પોતાની બે લાખ રૂપિયાની ભરણપોષણની રકમ ખતીજાબેનને સાચવવા માટે આપી હતી અને ઘરમાં જ રખાઈ હતી. જે પૈકી 30,000 ની રકમ વપરાઇ હતી પરંતુ બાકીની 1,70,000ની 2કમ એકાએક ગાયબ થઈ હતી. નસીમબેન દ્વારા તે રકમની માંગણી કરાતાં ખતીજાબેન દ્વારા તે રકમની ચોરી થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું અને ચોરીના મામલે ખતીજાબેન દ્વારા પંચકોશી એ ડિવિઝન પોલીસમાં અરજી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન નસીમબેન અને ખતીજાબેને સમાધાન કર્યું હતું. પરંતુ ફરીથી તે સમાધાન તૂટી જતાં મામલો અદાલત સમક્ષ પહોંચ્યો હતો અને નસીમબેન દ્વારા પોતાની રકમની ચોરી થયા અંગે અદાલતમાં પણ અરજી કરી હતી. જે અરજીમાં તેમણે શકદાર તરીકે ખતીજાબેન ઈસુબભાઈ લોરૂ, સુલતાન યુસુફ લોરૂ અને યુસુફ લોરૂ વગેરેના નામો અપાયા હતા. અરજી અંગે અદાલતે ફરી પોલીસ તપાસનો આદેશ કર્યો હતો. જેના આધારે પોલીસે ખતીજાબેન સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


