જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલી ઓફિસની બહાર પાર્ક કરેલી ઈનોવા કાર રેંકડી રાખવા માટે હટાડવા બે શખ્સો દ્વારા યુવાન ઉપર તલવાર વડે હુમલો કરી કારના કાચનો ભુકો બોલાવી દઇ નુકસાન કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર નારાયણનગરમાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો સંજયભાઈ નારણભાઈ જેઠા (ઉ.વ.40) નામનો યુવાન શુક્રવારે સાંજના સમયે તેની ઓફિસની બહાર ઇનોવા કાર નંબર જીજે-10-ટીવાય-5655 નંબરની પાર્ક કરી હતી. તે દરમિયાન બનારસી ઢોસા ગુલાબનગરવાળા મહેન્દ્રસિંહ જાડેજા અને તેનો ભત્રીજો નામના બંનેએ ફોન કરીને સંજયને કહ્યું કે, તમારી કાર અમને રેંકડી રાખવામાં નડે છે. જેથી સંજય કાર પાર્ક કરેલી જગ્યાએ ગયો ત્યારે તેણેે હું ગાડી કયાં પાર્ક કરું ? તેમ જણાવતા મહેન્દ્રસિંહ અને તેના ભત્રીજાએ સંજયને જેમ ફાવે તેમ ગાળો કાઢી તલવારનો ઘા કારના પાછળના કાચમાં અને બીજો ઘા ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાના કાચમાં મારી તોડફોડ કરી હતી અને બંને કાચ તોડી રૂા.15000 નું નુકસાન પહોંચાડયું હતું. આ અંગે સંજય દ્વારા જાણ કરાતા પીએસઆઇ આર.પી. અસારી તથા સ્ટાફે મહેન્દ્રસિંહ સહિતના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.