લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં રહેતાં દંપતી વચ્ચે ચા-પીવાની બાબતે થયેલી બોલાચાલી બાદ પતિના ઠપકાનું લાગી આવતા પત્નીએ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકના પિતા દ્વારા મૃતકના પતિ, દિયર અને સાસુ સામે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાંતા ગામમાં રહેતાં નાનભા જીણાજી ઝાલા નામના ખેતીકામ કરતા આધેડની બે દીકરી વર્ષાબા અને પૂર્ણાબાના લગ્ન લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં રહેતા અજિતસિંહ ઉર્ફે અજયસિંહ અને વિજયસિંહ મજબુતસિંહ જાડેજા સાથે થયા હતાં અને બન્ને બહેનો એક જ પરિવારમાં સાસરે હતી. દરમિયાન વર્ષાબાના પતિ અજિતસિંહ ઉર્ફે અજયસિંહ નાની-નાની બાબતોમાં તેની પત્ની સાથે ઝઘડાઓ કરતો હતો અને તેનો ભાઈ વિજયસિંહ વર્ષાબા સાથે ઝઘડાઓ કરતો તથા સાસુ મયાબા પુત્રવધૂને ઘરકામ બાબતે અવાર-નવાર નાની-નાની બાબતો માટે શારીરિક-માનસિક ત્રાસ આપતા હતાં અને આ ત્રાસ સહન ન થવાથી મોટી દિકરી વર્ષાબાએ જિંદગીથી કંટાળીને બુધવારે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ બનાવ બાદ મૃતકના વર્ષાબાના પિતા નાનભા ઝાલાએ લાલપુર પોલીસ મથકમાં મૃતકના પતિ અજિતસિંહ ઉર્ફે અજયસિંહ મજબુતસિંહ જાડેજા, દિયર વિજયસિંહ જાડેજા અને સાસુ મયાબા મજબુતસિંહ જાડેજા સામે અવાર-નવાર ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.