ધ્રોલ તાલુકાના ખાખરા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા મહિલાએ તેણીના પતિ સાથે થયેલી બોલાચાલી બાદ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગરના રણજીતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે અચનક બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બોરતાલાઈ ગામના વતની અને ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં આવેલી વિજયસિંહના ખેતરમાં મજૂરી કામ કરતા દિનેશ પરમાર નામના યુવાને તેના ભાણેજને લગ્ન માટે બે માસ પહેલાં હાથઉછીના રૂપિયા આપ્યા હતાં અને આ રૂપિયાની ઉઘરાણી કરતા ભાણેજ ‘અર્જુને કહ્યું કે હાલ મારી પાસે પૈસા નથી હું સગવડતા થાય એટલે આપી દઈશ’ આ બાબત અંગે દિનેશને તેના પત્ની મમતાબેન સાથે ચર્ચા થવાથી મમતાબેને ભાણેજને પૈસા તાત્કાલિક આપવાનું કહયું હતું જેથી પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીના કારણે મમતાબેન દિનેશભાઈ પરમાર (ઉ.વ.35) નામના મહિલાએ મંગળવારે મધ્યરાત્રિના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા પ્રણામી નગરમાં રહેતાં રાજસ્થાનના વતની શ્રવણસિંહ મોહનસિંહ ભાલુ (ઉ.વ.26) નામનો યુવાન મંગળવારે વહેલીસવારે તેના ઘરે અર્ધબેશુધ્ધ થઈ જતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મહેન્દ્રસિંહ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો એસ.એસ.દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.