માત્ર કલાકોના વરસાદ બાદ જામનગર શહેરનું જળસંકટ ટળી ગયું છે. જામનગર શહેરમાં પાણી પૂરુ પાડતા ચાર પૈકી ત્રણ જળાશયો છલકાઈ ગયા છે. જેમાં રણજીતસાગર, ઉંડ-1 અને આજી-3 નો સમાવેશ થાય છે. આ ત્રણેય જળાશયોમાં આખા વર્ષનું પાણી આવી ગયું છે. જ્યારે લાલપુર વિસ્તારમાં ઓછા વરસાદને કારણે સસોઇની સપાટીમાં માત્ર બે ફૂટનો જ વધારો થયો છે. આમ જામનગર શહેરમાં પાણીનું સંકટ મહદઅંશે ટળી ગયું છે.
બીજી તરફ ભારે વરસાદને કારણે ખીજડિયા બાયપાસ પાસે આવેલ જામ્યુકોનો ખીજડિયા ફીલ્ટરનેશન પ્લાન્ટ અને સંપ પાણીમાં ડૂબી ગયા છે. જેને કારણે જામનગર શહેરમાં પાણી વિતરણમાં પણ વિક્ષેપ ઉભો થયો હોવાનું વોર્ટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર પી.સી. બોખાણીએ જણાવ્યું છે. તેમણા જણાવ્યા અનુસાર, આખો ખીજડિયા સંપ પાણીમાં ગરકાવ થઇ ગયો છે જેને કારણે પમ્પીંગ મશીન રૂમ પાણીમાં ડૂબી જતા નુકસાન થયું છે ત્યારે આ સંપ કાર્યરત થતા સમય લાગી જાય તેમ હોય, શહેરના ઘણાં વિસ્તારોને પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે, પાણી ઉતર્યા બાદ સંપ અને મશીનરોનું મરામત કાર્ય હાથ ધરવામાં આવશે.