રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાયો. જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હજારો નગરજનોની ઉપસ્થિતિમાં આ મલ્ટીમીડિયા શો થકી વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવી.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજનો સમય અલગ છે. આજે દેશ માટે મરવાનો નહીં પરંતુ કંઈક કરવાનો સમય છે. દેશ માટે શહાદત વહોરનારા વીરોના બલિદાનોના કારણે આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ તેમ જણાવી મંત્રીએ દેશના વીરોની ગાથાને બિરદાવી હતી. સમગ્ર જામનગરને દેશભક્તિના રંગે રંગવા બદલ મંત્રીએ વીરાંજલી કાર્યક્રમના આયોજકોને પણ આ તકે બિરદાવ્યા હતા. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 6 માસમાં 4 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડી સરકારે દેશના ડ્રગ્સના નેટવર્કને નાકામ કર્યું છે. સરકારે મક્કમ નિર્ધાર કરી દુષ્કર્મ કેસના આરોપીઓને ત્વરિત સજા મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. સાથે સાથે વ્યાજના દુષણને ડામવા પણ ગુજરાત પોલીસ તત્પર છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
રાષ્ટ્રભક્તિની ભાવનાને મજબૂત કરતાં આ શો માં જામનગરના પણ છ જેટલા કલાકારો પોતાની કલાના ઓજસ પાથરી રહ્યાં છે. ભારતની નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિના સંસ્કારો જાગૃત થાય, એવા ઉદેશ્યથી બનાવાયેલા અને સાંઇરામ દવેએ સમગ્ર સ્ક્રિપ્ટ લખ્યા પછી તેઓ સૌપ્રથમ આ ડ્રામામાં અભિનય કરી રહ્યા છે. જ્યારે સમગ્ર ‘વિરંજલી’ મલ્ટીમીડિયા શો નુ દિગ્દર્શન જામનગરના જ વિરલ રાચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિના સંસ્કારો જાગૃત થાય, તેમજ કાળની રેતીમાં ગર્ત થયેલા ક્રાંતિવીરોની કેટલીક સાવ અજાણી વાતો જાણવા માટે આ મલ્ટીમીડિયા શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના યુવાનોને ગમે, અને ગળે ઉતરે તેવી શૈલીમાં અત્યાધુનિક સ્ટેજ અને સ્ક્રીનપ્લે સાથેના આ મલ્ટીમીડિયા શો વિરાંજલી સમિતિ પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત ‘વિરાંજલી’ કાર્યક્રમ ગુજરાતના જુદા-જુદા 12 શહેરોમાં રજૂ થઇને 13માં પ્રયોગ રૂપે જામનગરમાં રજૂ થયો હતો. દેશ માટે ફાંસીના તખ્તા પર ચડનારા ભગતસિંહ, સુખદેવ અને રાજ્ગુરુના જીવન અને કવન તેમજ 1857 થી લઈ 1931 સુધીના આઝાદીના લડવૈયાઓની વિરગાથાને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં સાઈરામ દવેએ લખી છે, દેશભક્તિના ગીતો સાથે રજુ થનારા ગુજરાતના સૌથી મોટા મલ્ટીમીડિયા શો માં વિરાંજલી કાર્યક્રમને નાટક સ્વરૂપે દેશભક્તિ અને અવનવા દેશભક્તિના ગીતો સાથે રજૂ કરવામાં આવ્યાં હતાં. પ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવે અને તેમની ટીમના 100 જેટલા કલાકારો દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીના સમન્વયથી આજના યુવાનોને ગમે તેવી ભવ્ય રજૂઆત દ્વારા ઝાંસીની રાણી, ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરૂ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મુરૂ માણેક-જોધા માણેક, અશ્ફાક ઉલ્લાખાન, ચંદ્રશેખર આઝાદ સહિતના નામી-અનામી સ્વાતંત્ર્યવીરોની રાષ્ટ્રભાવનાની વાત રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, ભરતભાઈ બોઘરા, જિલ્લા પ્રભારી અભયસિંહ ચૌહાણ, ડે. મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કલેકટર ડો.સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અગ્રણી પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા તથા મુકેશભાઇ દાસાણી, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, લાલજીભાઇ સોલંકી, મુળુભાઇ બેરા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, વિપુલભાઇ કોટક, લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, નરેન્દ્રભાઇ ત્રિવેદી, નિરજભાઇ દતાણી, મનસુખભાઇ રાબડીયા સહિતના મહનુભાવો તેમજ બહોળી સંખ્યામાં જામનગરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહામંત્રી મેરામણભાઈ ભાટ્ટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, રમત-ગમત સાંસ્કૃતિક સમિતીના ચેરમેન હર્ષાબા જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.