ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાં થોડા સમય પૂર્વે જુગારના ગુનામાં જપ્ત કરવામાં આવેલુ એક મોટરસાયકલ કોઈ તસ્કરો થોડા સમય પૂર્વે ચોરી કરીને લઇ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા પંથકમાં થોડા સમય પૂર્વે કરવામાં આવેલી જુગાર દરોડાની કાર્યવાહી દરમ્યાન આરોપીઓ પાસેથી રૂપિયા 40 હજારની કિંમતનું જી.જે. 37 એચ. 3714 નંબરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલું આ મોટર સાયકલ ખંભાળિયાના પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. ગત તા. 19 ઓગસ્ટથી તા. 4 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં ખંભાળિયા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલું ઉપરોક્ત મોટરસાયકલ કોઈ તસ્કર ચોરી કરીને લઇ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું.
આથી ખંભાળિયાના હેડ કોન્સ્ટેબલ સૂર્યદાનભાઈ સંધીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં અજાણ્યા ચોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે સંદર્ભે આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લો બોલો… હવે પોલીસ મથકમાં પણ વાહન સલામત નથી…!!
ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાંથી બાઇકની ચોરી