ઘરમાં રહેતી સ્ત્રીનો દિવસ સવારના કિરણો સાથે શરૂ થાય છે અને ઘણી વખત બધા સુઈ જાય પછી પૂરો થાય છે. રસોઈ બનાવવી, બાળકોને સંભાળવા, ઘરની સફાઈ, વૃદ્ધોની કાળજી, બજારનું આયોજન, પરિવારના દરેક સભ્યની જરૂરિયાત સમજવી – આ બધું તે રોજ કરે છે. છતાં સમાજમાં ઘણીવાર પ્રશ્ન ઊભો થાય છે: આ કામનું આર્થિક મૂલ્ય કેટલું? આ પ્રશ્ન માત્ર પૈસાની ગણતરીનો નથી, પરંતુ સ્ત્રીના શ્રમ અને સમર્પણને માન્યતા આપવાનો પ્રશ્ન છે.

ઘરમાં કામ કરતી સ્ત્રીને ઘણીવાર હાઉસ વાઇફ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ કામની યાદી બનાવીએ તો સમજાય છે કે તે એક સાથે કેટલી ભૂમિકાઓ ભજવે છે. કયારેક તે રસોઈયા છે , તો ક્યારેક સફાઈ કર્મી, ક્યારેક બાળકોની સંભાળ રાખનારી શિક્ષક, તો ક્યારેક ઘરમાં વડીલોની સંભાળ કરતી નર્સ, ક્યારેક ઘરનું મેનેજમેન્ટ સંભાળનાર મેનેજર, જો આ બધાં કામ માટે અલગ-અલગ લોકો રાખવામાં આવે તો કેટલો ખર્ચ થાય?
આ પ્રશ્ર્નનો જવાબ આપતા ઘણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે ઘરકામનું મૂલ્ય હજારો રૂપિયામાં નહીં પરંતુ લાખોમાં ગણાય. ઘરકામ એ એવું શ્રમ છે જે દેખાતું ઓછું છે પરંતુ જીવનને સંચાલિત કરે છે. સત્રી આ બધા જ કામ પ્રેમ, ફરજ અને લાગણીથી કરે છે. જો કે ઘરકામને માત્ર નોકરીની જેમ માપવું પણ યોગ્ય નથી. કારણ કે માતા અથવા પત્ની જે રીતે પરિવાર માટે કામ કરે છે તે માત્ર વ્યવસાયિક સેવા નથી. માતા બાળકને ખવડાવે છે ત્યારે તેમાં મમતા હોય છે. પત્ની પતિ માટે ચા બનાવે છે ત્યારે તેમાં લાગણી હોય છે. આ ભાવનાઓનું મૂલ્ય પૈસામાં માપી શકાય નહીં. અહીં એક નાની કવિતાની પંક્તિ યાદ આવે છે.
રસોડાની રોટલીમાં માત્ર લોટ નથી હોતો,
માતાની મહેનત સાથે પ્રેમનો ઘૂંટ પણ હોય છે.
દુર્ભાગ્યે આપણા સમાજમાં ઘરકામને સામાન્ય માનવામાં આવે છે. કોઈ પગાર નથી, કોઈ રજા નથી, કોઈ નિવૃત્તિ નથી. આટલું કામ કર્યા પછી પણ ઘણી વખત સ્ત્રીઓને એવું પણ સાંભળવું પડે છે, તમે આખો દિવસ કરો શું છો? આ પ્રશ્ર્ન પોતે જ દર્શાવે છે કે આપણે ઘરકામની મહેનતને સમજવામાં હજુ પાછળ છીએ. જો ઘર સંભાળનાર વ્યક્તિ એક દિવસ કામ ન કરે તો આખું ઘર ગડબડ થઈ જાય છે. એ જ વાત આ કામનું મહત્વ સ્પષ્ટ છે.
વિશ્વના ઘણા દેશોમાં હવે ઘરકામના મૂલ્ય અંગે ચર્ચા થઈ રહી છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે જો ઘરકામને દેશની અર્થવ્યવસ્થામાં ગણવામાં આવે તો દેશની કુલ આવક ઘણો વધે. ભારતમાં પણ આ મુદ્દા પર ચર્ચા થઈ છે. ઘણા લોકો વિચારે છે કે ઘરકામ કરતી સ્ત્રીઓને આર્થિક સુરક્ષા, પેન્શન અથવા અન્ય લાભ મળવા જોઈએ. કારણ કે ઘરકામ માત્ર વ્યક્તિગત કામ નથી તે સમાજ અને રાષ્ટ્રની રચનામાં મહત્વનું યોગદાન આપે છે. ખરેખર તો સ્ત્રીઓ પોતે જ પોતાના કાર્યને ઓછું ગણે છે. પરંતુ સત્ય એ છે કે ઘર સંભાળવું ખૂબ મોટું મેનેજમેન્ટ છે. એક ઘર સંચાલિત કરવું એટલે સમય, સંસાધન અને લાગણીઓનું સંતુલન જાળવવું. આ માટે ધીરજ, આયોજન અને સમજ જરૂરી છે. ઘરમાં રહેતી સ્ત્રી માત્ર ઘરકામ કરતી નથી, તે પરિવારની આધારશિલા છે.
આજના સમયમાં સમાજમાં થોડો બદલાવ આવ્યો છે.. હવે ક્યારેક પુરુષો પણ ઘરકામમાં સહભાગી થવા લાગ્યા છે. ઘણા પરિવારોમાં પતિ-પત્ની બંને મળીને જવાબદારી વહેંચે છે. આ બદલાવ સકારાત્મક છે, કારણ કે ઘર બંનેનું છે અને જવાબદારી પણ બંનેની છે. પરિવાર ત્યારે વધુ ખુશ રહે છે જ્યારે દરેક સભ્ય એકબીજાની મહેનતને સમજવા અને માન આપવા તૈયાર હોય. આર્થિક મૂલ્યની ચર્ચા જરૂરી છે કારણ કે તે શ્રમને માન્યતા આપે છે. પરંતુ અંતે સમજવું પડશે કે ઘરકામનું સાચું મૂલ્ય માત્ર રૂપિયા નથી. એક માતા જ્યારે બાળકને ઊંઘાડે છે, જ્યારે પરીક્ષાની રાતે તેની સાથે જાગે છે, જ્યારે દુ:ખમાં સંતાનને સાંત્વના આપે છે, ત્યારે તે માત્ર કામ નથી કરતી, પરંતુ જીવન ઘડી રહી હોય છે. આ ભાવનાને કવિની પંક્તિઓ સુંદર રીતે વ્યક્ત કરે છે,
ઘરનો દીવો બનીને જે રોજ બળે છે શાંતિથી, એના પ્રકાશે જ પરિવારનો આકાશ ઉજળે છે.
સ્ત્રીના ઘરકામનું આર્થિક મૂલ્ય ગણીએ તો કદાચ તે હજારો કે લાખોમાં હશે. પરંતુ તેની મહેનત, પ્રેમ અને ત્યાગનું સાચું મૂલ્ય કોઈ આંકડામાં બંધાઈ શકતું નથી., અને સ્ત્રીઓ ક્યારેક પ્રેમનું વળતર નથી માંગતી.. આથી જ ઘરકામને સન્માન આપીએ. સ્ત્રીના શ્રમને માન્યતા આપીએ. કારણ કે ઘર માત્ર દિવાલોથી નથી બનતું, કોઈના નિ:શબ્દ પરિશ્રમથી બને છે. એ પરિશ્રમનો સૂર્ય, ઘણો વખત એક સ્ત્રી જ હોય છે. – દિપા સોની


