રાજ્યસભામાં બુધવારે સાંજે નારાબાજી અને હંગામો કરી રહેલા વિપક્ષના સાંસદોને દૂર કરવા માર્શલ બોલાવવાની ફરજ પડી હતી. તે દરમિયાન વિપક્ષના સાંસદો અને માર્શલો વચ્ચે ઘર્ષણ થયું અને વિપક્ષી સાંસદોએ આરોપ મૂક્યો હતો કે સરકાર માર્શલના વેશમાં બહારના માણસો બોલાવીને સાંસદો પર હુમલો કરાવ્યો હતો. સાંસદોને માર મારવામાં આવ્યો, ધક્કા મરાયા. મહિલા સાંસદો સાથે પણ કથિત માર્શલો દ્વારા દુર્વ્યવહારના આરોપો વિપક્ષ તરફથી સરકાર પર મુકાયા. ગુરુવાર સવારે વિપક્ષના લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ સરકાર પર ગંભીર આરોપો મૂકતાં સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી હતી. બીજીતરફ સરકારે રાજ્યસભાના વીડિયો ફૂટેજ મીડિયામાં જારી કરી વિપક્ષના આરોપો ફગાવ્યા હતા. બપોર સુધીમાં કેન્દ્ર સરકારે તેના આઠ મંત્રીઓને એકસાથે મેદાનમાં ઉતારીને પત્રકાર પરિષદમાં વિપક્ષના સાંસદો પર આરોપોની ઝડી વરસાવી દીધી હતી.
વિપક્ષના આરોપોનો જવાબ આપવા સરકારે એક સાથે 8 મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સંસદના ચોમાસુ સત્રને હંગામાને હવાલે કરવા માટે વિરોધપક્ષો દેશની માફી માગે. પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રીઓ પીયૂષ ગોયલ, અનુરાગ ઠાકુર, પ્રહલાદ જોશી, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, અર્જુનરામ મેઘવાલ, વી મુરલીધરન અને મુખ્તાર અબ્બાસ નકવી હાજર રહ્યાં હતાં.
સડકથી સંસદ સુધી અંધાધૂંધી ફેલાવતા રહેવાનો વિપક્ષનો એકમાત્ર એજન્ડા, કાર્યવાહી ખોરવી નાખવાનું પહેલેથી નક્કી હતું ? સંસદમાં હંગામો કરીને વિપક્ષના સાંસદો ગૌરવ અનુભવી રહ્યા છે પરંતુ તેમણે રાજ્યસભામાં બુધવારે લોકશાહીનો કાળો અધ્યાય લખ્યો ? સરકાર કોરોના, મોંઘવારી, કૃષિ કાયદા, પેગાસસ સહિતના તમામ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર હતી પરંતુ વિપક્ષને તેમાં રસ નહોતો ? 2004થી 2014 વચ્ચે યુપીએ સરકારે દર 4 મિનિટે સંસદમાં એક ખરડો પસાર કરાવ્યો હતો, અમે દરેક ખરડા પર ચર્ચા માટે તૈયાર હતા ? આખા દેશે વિપક્ષનો ડ્રામા જોયો છે, અમે વિપક્ષની માય વે અથવા હાઇવેની માનસિકતાની નિંદા કરીએ છીએ સસ્પેન્ડ કરાયેલા ટીએમસીના સાંસદોએ કાચ તોડીને ગૃહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો તેના કારણે મહિલા માર્શલને ઇજા થઇ હતી 9 ઓગસ્ટે ગૃહમાં ટેબલ પર ચડીને વિપક્ષી સાંસદોએ હંગામો કર્યો, અધ્યક્ષ તરફ રૂલબુક ફેંકી જે નિંદનીય કૃત્ય હતું.રાજ્યસભાના વીડિયો સ્પષ્ટ બતાવે છે કે વિપક્ષની મહિલા સાંસદોએ લેડી માર્શલો સાથે ધક્કામુક્કી કરી ઇજા પહોંચાડી હતી. રાજ્યસભામાં કોઇ બહારની વ્યક્તિ આવી નથી, તમામ 30 માર્શલ ગૃહમાં ફરજ પર હાજર હતા.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત એક ડઝન જેટલા વિપક્ષના નેતાઓએ સરકાર પર આરોપ મૂક્યો હતો કે રાજ્યસભામાં બુધવારે સાંજે વિપક્ષના સાંસદો સાથે ધક્કામુક્કી કરવા માર્શલના વેશમાં બહારના વ્યક્તિઓને પ્રવેશ અપાયો હતો. તેમણે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ સમક્ષ આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. વિપક્ષના નેતાઓએ સંયુક્ત નિવેદન જારી કરી જણાવ્યું હતું કે, અમે સરકારના આપખુદ અને બિનલોકતાંત્રિક પગલાંઓને વખોડી કાઢીએ છીએ. વિપક્ષ પેગાસસ સહિતના રાષ્ટ્રીય હિતના તમામ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર હતો પરંતુ સરકારે જાણીજોઇને ગૃહની કાર્યવાહી ખોરવી નાખી હતી.
સંસદમાં હોબાળો અને લોકશાહીની હત્યા થઇ, એટલું નકકી: જવાબદાર કોણ? એટલો જ પ્રશ્ન !
વિપક્ષો સડક પર ઉતર્યા, સરકારે વિપક્ષોને જવાબ આપવા પત્રકાર-પરિષદમાં 8 મંત્રીઓ ઉતાર્યા…