રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી છે. ત્યારે ત્રણ મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા અને ભાવનગરને મેયર તથા ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મળી ચુક્યા છે. અન્ય ત્રણ મહાનગરપાલિકાઓ જામનગર, સુરત અને રાજકોટના મેયરના નામની જાહેરાત કરવામાં આવી નથી.
અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારના નામની જાહેરાત થઇ ચુકી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની વરણી કરવામાં આવી છે. AMCમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટ, અને પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. તથા દંડક તરીકે અરુણસિહ રાજપૂતને નિયુક્ત કરવામાં આવ્યા છે.
વડોદરા મહાનગરપાલિકામાં મેયર તરીકે કેયુરભાઇ રોકડીયાની વરણી કરાઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીનાં નામની જાહેરાત કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઇ પટેલ, દંડક તરીકે ચિરાગભાઇ બારોટની નિમણૂક કરાઈ છે. જ્યારે શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઇ લિંબાચિયાની વરણી કરાઈ છે.
ભાવનગર મહાનગપાલિકામાં મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી કરાઈ છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની નિયુક્તિ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાના નામની જાહેરાત કરાઈ છે.