આખરે જામનગર શહેરમાં કોરોનાની ત્રીજી લહેર સત્તાવાર રીતે સમાપ્ત થઇ છે. ત્રીજી લહેરનો પ્રારંભ થયા બાદ ગઇકાલે રવિવારે શહેરમાં કોરોનાનો નવો એક પણ કેસ મળી આવ્યો ન હતો. આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલાં 1200થી વધુ ટેસ્ટીંગમાં એક પણ વ્યકિત કોરોના પોઝિટીવ જણાયો ન હતો. આમ શહેર સંપૂર્ણ પણે કોરોનામુકત થયું હતું. શહેરની કોવિડ હોસ્પિટલ પણ ફરીથી ખાલી-ખાલી લાગવા લાગી છે. હાલ કોઇ પેશન્ટ દાખલ ન હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઇકાલે માત્ર જામનગર તાલુકામાં એક પોઝિટીવ કેસ નોંધાયો હતો. જામનગર સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ કોરોનામુકત થયો છે.
રવિવાર જામનગર શહેર માટે સારા સમાચાર લઇને આવ્યો હતો. ઓમિક્રોનથી શરૂ થયેલી કોરોનાની ત્રીજી લહેર ગઇકાલે નામશેષ થઇ ગઇ હતી. ત્રીજી લહેર દરમ્યાન કોરોનાની પીક 524 સુધી પહોંચી હતી. ત્યારબાદ તેમાં સતત ઘટાડો નોંધાતો રહ્યો હતો. તેમ છતાં હઠીલો કોરોના હાજરી અવશ્ય પુરાવતો હતો.
ત્રીજી લહેર દરમ્યાન રાહતની વાત એ રહી કે, લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની ખૂબજ ઓછી જરૂરિયાત અનુભવાઇ એટલું જ નહીં બીજી લહેરની જેમ ઓકિસજન ઘટી જવાના કોઇ સમસ્યા ત્રીજી લહેરમાં જોવા મળી નહીં પરિણામે આ લહેર દરમ્યાન કેસ વધ્યાં પરંતુ તેની ઘાતકતા ઓછી રહી.
જામનગરને અડીને આવેલાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાની ત્રીજી લહેરે વિદાય લીધી છે. ગઇકાલે દ્વારકા જિલ્લામાં નવો એક પણ કેસ નોંધાયો ન હતો. શનિવારે જિલ્લામાં આઠ નવા દર્દીઓ નોંધાયા હતા જે સામે 13 દર્દીઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે દ્વારકા જિલ્લામાં કુલ 237 વ્યકિતઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જયારે શનિવારે 597 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ સમગ્ર હાલાર હવે કોરોનામુકત થયું છે.


