રાજયમાં કોરોનાની ત્રીજી લહેરનો ફુંફાડો શાંત થયો છે. 21 જાન્યુઆરીએ 24,500 કેસની પીક પર પહોંચ્યા બાદ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે આજે ઘટીને 5000ની અંદર આવી ગયો છે.
રાજયમાં ઓમિક્રોન આધારીત કોરોનાની ત્રીજી લહેરને વળતા પાણી શરૂ થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 4710 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે ગઇકાલની સરખામણીમાં 1387 કેસ ઓછા છે. બીજી તરફ મૃત્યુનું પ્રમાણ હજુ પણ ચિંતાજનક બની રહ્યું છે. 24 કલાકમાં કોરોનાથી રાજયમાં 34 દર્દીઓના મૃત્યુ નિપજયા છે. જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોના કેસની સંખ્યામાં ઉતરોતર ઘટાડો નોંધાઇ રહ્યો છે. જામનગર શહેરમાં આજે 51 પોઝિણિવ કેસ નોંધાયા છે. જેની સામે 167 દર્દીઓ સાજા થયા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં 22 નવા કેસ નોંધાયા છે. સામે 86 દર્દીઓ સાજા થઇ ગયા છે. શહેર કે જિલ્લામાં આજે એક પણ મોત નોંધાયુ નથી.આમ રાજયમાં હવે ત્રીજી લહેરની વિદાયની ઘડીઓ ગણાય રહી છે.