શું કોરોનાની ત્રીજી લહેર દેશમાં શરૂ થઈ ગઈ છે? હૈદરાબાદના ટોચના વૈજ્ઞાનિકે આનો જવાબ ‘હા’માં આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ચોથી જુલાઇએ ત્રીજી લહેર આવી ગઈ છે. વિખ્યાત ભૌતિક વિજ્ઞાની ડો.વિપિન શ્રીવાસ્તવ છેલ્લા 15 મહિનાથી ચેપના ડેટા અને મૃત્યુ રેટનું વિશ્લેષણ કરી રહ્યા છે.
હૈદરાબાદ યુનિવર્સિટીના પ્રો-વાઇસ ચાન્સેલર રહેલા શ્રીવાસ્તવે કહ્યું કે, 4 જુલાઇથી કોરોના સંક્રમણના નવા કેસ અને મૃત્યુ સૂચવે છે કે દેશમાં ત્રીજી લહેર આવી ગઈ છે. આ ટ્રેંડ ફેબ્રુઆરી 2021ના પહેલા અઠવાડિયા જેવો જ છે. ત્યારે કોરોનાની બીજી લહેરે દેશમાં શરૂઆત કરી હતી. તે એપ્રિલમાં ટોચ પર પહોંચી ગઈ હતી.
શ્રીવાસ્તવે ચેતવણી આપી છે કે જો લોકો કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવે તો ત્રીજી લહેર વેગ પકડશે. ત્રીજી લહેરને નિયંત્રણમાં રાખવા માટે, લોકોએ સામાજિક અંતર, સેનિટાઈઝેશન, માસ્ક પહેરવું અને રસીકરણ જેવા પ્રોટોકોલનું પાલન કરવું પડશે. શ્રીવાસ્તવે વેવ પેટર્નને બનાવવા માટે છેલ્લા 461 દિવસના ડેટાનો ઉપયોગ કર્યો હતો.
કોરોનાથી મૃત્યુના 461 દિવસના ડેટાના વિશ્લેષણના આધારે, ડો. શ્રીવાસ્તવે ત્રણ મેટ્રિક્સ તૈયાર કર્યા છે. આ મેટ્રિક્સમાંથી એક સૂચવે છે કે કોરોનાની ત્રીજી લહેર 4 જુલાઈએ જ આવી ગઈ છે. તેમણે આ મેટ્રિક્સનું નામ કોવિડ-19ના ડેઇલી ડેથ લોડ (ડીડીએલ) રાખ્યું છે. તેણે દર 24 કલાકમાં ડીડીએલને કેલ્ક્યુલેટ કર્યું.
શ્રીવાસ્તવે કોવિડમાં વધારો/ઘટાડોની મેટ્રિક્સની ગણતરી માટે 24 કલાકમાં કોરોનાથી થતા મૃત્યુનું પ્રમાણ અને તે જ સમયગાળામાં નવા સક્રિય કેસનો ગુણોત્તર લીધો. નવા કેસની તુલનામાં સાજા થનારની સંખ્યા વધુ રહેવા પર આ ગુણોત્તર નેગેટિવ રહે છે. અનુકુળ સ્થિતિ ત્યારે આવે છે ડેઈલી ડેથ લોડ ઓછો અથવા નેગેટિવ હોય છે.
આ અભ્યાસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે સરકાર સતત લોકોને કોવિડથી બચવા ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી રહી છે. તેમણે તાજેતરના સમયમાં પર્યટક સ્થળો અને હિલ સ્ટેશનો પર ભીડ એકઠી થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કહે છે કે લોકોને હવે સાવચેત રહેવાની જરૂર છે.
કોરોના હજુ ગયો નથી. જો કે, બજારો અને હિલ સ્ટેશનો પર જે રીતે ભીડ એકઠી થઈ રહી છે, તેવું લાગી રહ્યું છે કે લોકો માની રહ્યા છે કે કોરોના પૂરો થઈ ગયો. જો લોકો આ વલણમાં પરિવર્તન નહીં કરે, તો પ્રતિબંધોમાં આપવામાં આવેલી રાહત પાછી ખેંચી શકાય છે.