જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર ખંભોત્રી ફળીમાં રહેતાં મેમણ વેપારીના મકાનમાંથી થયેલી લાખોની ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં જ બે તસ્કરોને દબોચી લઇ તેમની પાસેથી સોનાના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર ખંભોત્રી ફળીમાં રહેતા ઉવેશ બસીરઇભાઈ લુસવાલા નામના વેપારી યુવાનના બંધ મકાનમાં રક્ષાબંધનના દિવસે સાંજના 5 થી રાત્રિના 10 વાગ્યા સુધીના પાંચ કલાકના સમય દરમિયાન તસ્કરો ત્રાટકયા હતાં અને મકાનમાંથી રૂા.75 હજારની રોકડ રકમ અને રૂા.6.65 લાખના પોણા પંદર તોલાના સોનાના દાગીના સહિતની ચોરી થયાના બનાવમાં સિટી એ ડીવીઝનના પો.કો. વિક્રમસિંહ જાડેજા, વનરાજ ખવડ, શિવરાજસિંહ રાઠોડને મળેલ બાતમીના આધારે પીઆઈ એમ.જે.જલુ, પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા પો. હેે.કો. મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, દેવાયતભાઈ કાંબરિયા, પો.કો. પ્રવિણભાઈ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ સોઢા તથા વિક્રમસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, રવિરાજસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી સોની બજારમાંથી બાતમી મુજબના કપડા પહેરેલા મોહમદ રફિક દુધવાલા અને ઈકામુદીન મહમદ ઓશમાણ સરગઠ નામના બે શખ્સોને લીધા હતાં.
એલસીબીની ટીમે બન્ને શખ્સોની તલાસી લેતા દોઢ તોલાનો સોનાની સરવાળો સેટ, અઢી તોલાનો સોનાનો કાળા મોતીના સરવાળા બે મંગલસુત્ર, સાડા પાંચ તોલાના સોનાના બે નંગ પાટલા, બે સોનાની વીંટી, સોનાના ત્રણ નંગ પેડલ, કાનની જુદા જુદા પ્રકારની બુટીઓની છ જોડી, એક પોણા તોલાનો સોનાનો ચેઈન સહિત રૂા.6.65 લાખની કિંમતના પોણા પંદર તોલાના સોનાના દાગીના અને 75 હજારની રોકડ રકમ મળી કુલ રૂા.7.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.