જામનગર પીજીવીસીએલ દ્વારા આજે બીજા દિવસે 29 ટીમો દ્વારા નવાગામ ઘેડ, ભીમવાસ, ધરારનગર, વુલનમીલ સહિતના વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં આજે બીજા દિવસે 63 વીજ જોડણોમાંથી 26.55 લાખની વિજચોરી ઝડપાઇ હતી. જ્યારે ગઈકાલે સોમવારે 30 ટીમો દ્વારા પોલીસ અને એસઆરપીને સાથે રાખી જામનગર શહેરના કેટલાંક વિસ્તારોમાં વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સોમવારે 67 વીજજોડાણોમાંથી રૂા.17.65 લાખની વીજચોરી ઝડપાઇ હતી.
પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આજે બીજા દિવસે 29 ટીમો દ્વારા 12 એસઆરપી જવાનો, આઠ એકસઆર્મી મેન અને ત્રણ વીડિયોગ્રાફરો સાથે જામનગર શહેરના નવાગામ ઘેડ, ભીમવાસ, ધરારનગર, વુલનમીલ સહિતના વિસ્તારોમાં વીજચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 202 વિજ જોડાણોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 63 વિજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 26.55 લાખના વિજ પુરવણી બીલ ફટકારવામાં આવ્યા હતાં.આ પહેલાં ગઈકાલે સોમવારે નગર સીમ, ખંભાળિયા ગેઈટ, જામનગર ગ્રામ્ય હેઠળના વિવિધ વિસ્તારો આર્ય સમાજ રોડ, ઢીચડા રોડ, વાયુનગર, સેનાનગર, કાલાવડ નાકા બહાર સહિતના વિસ્તારોમાં 30 ટીમો દ્વારા 12 એસઆરપી જવાન, 8 એકસઆર્મી મેન સાથે રાખીને વીજ ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુલ 364 વીજ જોડાણોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 67 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ 17.65 લાખના વીજચોરીના બીલ ફટકારવામાં આવ્યા હતાં. પીજીવીસીએલના ચેકીંગના પરિણામે વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.