સાવરકુંડલામાં માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકીને ઉપાડી જઇને બળાત્કાર ગુજારવાના ચકચારી કેસમાં અમરેલીની સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપીને દોષી જાહેર કરાયો છે અને સજાની સુનાવણી તા. 31મીએ કરાશે. આ કેસમાં માત્ર 04 વર્ષના સાક્ષીએ જુબાની આપી હતી.
સાવરકુંડલામાં ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારની એક ત્રણ વર્ષની માસુમ બાળકીને એક રીક્ષા ચાલક શખ્સ રાત્રીના સમયે ઉપાડી ગયો હતો અને વાસના સંતોષ્યા બાદ બાળકીને મોટા ઝીંજૂડા ગામના બસ સ્ટેશનમાં નાંખી દીધી હતી. જયાંથી બાળકી લોહીલુહાણ હાલથમાં મળી આવી હતી. આ કેસમાં પોલીસ દ્વારા ગુનો નોંધાયા બાદ ડીએનએ રિપોર્ટ સહિતના પૂરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને ઘટનાને નજરે જોનાર 04 વર્ષના બાળકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આ કેસમાં ખાસ સ્પેશ્યલ પી.પી. તરીકે અમરેલીના ઉદયન ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી હતી.
આ ઘટનામાં ભોગ બનેલી માસુમ બાળકીની હાલત નાજુક હતી અને સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા તેને રાજકોટ લઇ જઇને સારવાર અપાવવામાં આવી હતી. અમરેલીની સ્પેશ્યલ કોર્ટમાં આ કેસ ચાલી જતા આરોપી રાજુ ઉર્ફે કડી માંગરોળીયાને સ્પેશ્યલ જજ આર.આર.દવે દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો છે અને હવે તા. 31 મીએ સારવારને સજાનો હુકમ આપવામાં આવશે. અમરેલીની સ્પેશ્યલ કોર્ટ દ્વારા આપવામાં આવનારા ચુકાદા પર સૌની નજર મંડાઇ છે.