ભાણવડના રૂપામોરા ગામે એક બાળકીને શ્વાને ફાડી ખાધાના બનાવ બાદ હજૂપણ દ્વારકા પંથકમાં કૂતરાઓનો આતંક યથાવત્ રહેવા પામ્યો છે અને ગઇકાલે કલ્યાણપુર તાલુકાના બે ગામોમાં શ્વાને એક યુવાન અને બાળકને બચકા ભરી લેતાં બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે રહેતા રોહિત નામના 23 વર્ષનો યુવક ગામના મુખ્ય રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક શ્વાને ધસી આવી પગના ભાગે બચકા ભરી લોહી-લુહાણ કરી નાખ્યો હતો. તો અન્ય એક બનાવમાં ભોગાત ગામે 13 વર્ષના બાળકને શ્વાને બચકા ભરી લોહીલુહાણ કરી નાખેલ હતો. હડકાયા કૂતરાઓનો ત્રાસ વધી જવાને કારણે લોકો ભયભીત બન્યા છે અને જરુર હોય તો જ ઘરની બહાર નિકળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પગલા લઇ આવા હડકાયા કૂતરાઓને પકડી ગામની બહાર ધકેલે તે જરુરી બન્યું છે. ઉનાળાના આકરા તાપના કારણે કૂતરાઓ અકળાયા હોય તેમ હવે માણસો પર હુમલા કરી રહ્યા છે.
કલ્યાણપુર પંથકમાં રખડતા શ્વાનનો આતંક
લીમડી અને ભોગાતના યુવક તથા બાળકને બચકા ભર્યા : હડકાયા કુતરાઓને ગામ બહાર ધકેલી દેવા જરૂરી