જામનગર સહિત જિલ્લાભરમાં દિવાળી પર્વથી ઠંડીના અહેસાસનો શહેરીજનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા એકાદ અઠવાડીયાથી લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે. જેથી લોકો ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે. જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 2.5 ડિગ્રી ગગડતા શહેરીજનોએ ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો.
જામનગર કલેકટર કચેરીના જણાવ્યાનુસાર જામનગરમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 62 ટકા નોંધાયું હતું. મહત્તમ તાપમાન 34 ડિગ્રી જેટલું નોંધાતા બપોરે સૂર્યનારાયણનો આકરો મિજાજ યથાવત્ રહ્યો હતો. જ્યારે મોડી રાત્રે તથા વ્હેલી સવારે ઠંડીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
જામનગર શહેરની સાથેસાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધ્રોલ-જોડિયા, ફલ્લા, જામજોધપુર સહિતના ગામડાંઓમાં પણ મોડીરાત્રે તથા વ્હેલી સવારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફૂલગુલાબી ઠંડીના પરિણામે વ્હેલી સવારે વ્યવસાય અર્થે જતાં લોકો તેમજ મોર્નિંગ વોકમાં જતાં લોકો ગરમ વસ્ત્રનો સહારો લેતાં નજરે પડયા હતાં.