ગામ દીઠ તલાટી, સળંગ સેવા ગણવા સહિતની 11 જેટલી પડતર માગણીઓને લઈ રાજયભરનાં તલાટીઓએ સોમવારે ફરજ પર હાજર રહીને પેન ડાઉન સ્ટ્રાઈકમાં જોડાઈને આંદોલનને આગામી દિવસોમાં ઉગ્ર બનાવવાનાં સંકેતો આપ્યા છે. આગામી તા. 1લી ઓકટોબરથી મહેસુલી અને ઓનલાઈન જુદા જુદા દાખલા કાઢવાની કામગીરીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યુ છે.
રાજય તલાટી મંડળનાં આદેશનાં પગલેરાજયમાં આશરે 9000 તલાટીઓએ આંદોલન છેડયુ છે.તલાટીઓનાં આંદોલનનાં પગલે ગ્રામ પંચાયત કચેરીઓમાં સરકારી સેવાઓ ખોરવાઈ ગઈ હતી. પાક અને જમીન ધોવાણનાં સર્વેની કામગીરી ચાલી રહી છે તેમાં તલાટીઓને પણ ટીમમાં સામેલ કરાયા હોય આ કામગીરીને પણ અસર પહોંચી છે.
આગામી તા. 1 લી ઓકટોબરથી અચોકકસ મુદત સુધી તલાટીઓ મહેસુલી અને ઓનલાઈન જન્મ – મરણનાં અને જાતીનાં દાખલા કાઢવાની કામગીરીનો બહિષ્કાર કરશે. સરકાર જો માગણીઓ નહિ સંતોષે તો તા. 7 મીએ જિલ્લા પંચાયત કચેરીએ ધરણા અને ત્યાર બાદ માસ સીએલ પર ઉતરી આંદોલનને ઉગ્ર બનાવાશે. તલાટીઓની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. સૌરાષ્ટ્રનાં જુદા જુદા જિલ્લાઓનાં તલાટીઓ આંદોલનમાં જોડાયા હતા.