સુપ્રીમકોર્ટે ગુજરાતની જિલ્લા અદાલતોમાં 68 જજોની બઢતી પર સ્ટે મૂકી દીધો છે. આ જજોમાં એ જજ પણ સામેલ હતા જેમણે રાહુલ ગાંધીના માનહાનિના કેસમાં સુનાવણી કરી હતી અને તેમને દોષિત ઠેરવતાં બે વર્ષની સજા કરી હતી. ઉલ્લેખનિય છે કે સુપ્રીમકોર્ટે ગુજરાતના 68 ન્યાયિક અધિકારીઓને જિલ્લા જજ કેડરમાં પ્રમોશનને પડકારતી અરજી પર સુનાવણી પૂરી કરી લીધી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. ગુજરાત સરકારના જ બે ન્યાયિક અધિકારીઓએ 65 ટકા પ્રમોશનના ક્વોટા હેઠળ 68 જજોના પ્રમોશનને પડકાર્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 8 ઓગસ્ટે કરવામાં આવશે. જેના પર ફાઈનલ સુનાવણી સીજેઆઈ કરશે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સી.ટી.રવિકુમારની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. ઉલ્લેખનિય છે કે આ પ્રમોશન મેળવનારા જજોમાં સુરતના જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્મા પણ સામેલ હતા જેમણે તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુનાઈત માનહાનિના કેસમાં બે વર્ષની સજા કરી હતી જેના પગલે રાહુલ ગાંધીએ સાંસદ પદ ગુમાવવું પડ્યું હતું.
સુપ્રીમકોર્ટમાં જે અધિકારીઓએ આ અરજી દાખલ કરી હતી તેમનું નામ રવિ કુમાર મહેતા અને સચિન પ્રજાપતરાય મહેતા છે. બંને સિનિયર સિવિલ જજ કેડરના અધિકારી છે અને ખુદ 65 ટકા ક્વોટા માટે યોજાયેલી પરીક્ષામાં સામેલ પણ હતા. ગુજરાત સરકારના લીગલ ડિપાર્ટમેન્ટમાં અંડર સેક્રેટરી રવિ કુમાર મહેતાને 200 માર્ક્સની પરીક્ષામાં 135.5 માર્ક્સ મળ્યા હતા. જ્યારે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિઝ ઓથોરિટીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર સચિન પ્રતાપ રાય મહેતાએ 148.5 માર્ક્સ મેળવ્યા હતા. બંને જજોને આરોપ મૂક્યો હતો કે પરીક્ષામાં તેમનાથી ઓછા માર્ક્સ લાવનારા જજોને જિલ્લા જજની કેડરમાં પસંદ કરી લેવાયા હતા. જોકે વધુ માર્ક્સ મેળવનારા અનેક ઉમેદવારોને રિજેક્ટ કરી દેવાયા હતા.


