સુપ્રીમકોર્ટે અદાણી-હિંડેનબર્ગ વિવાદ મામલે તપાસના આદેશ આપી દીધા છે. તેની સાથે જ સુપ્રીમકોર્ટના સેવાનિવૃત્ત જજ એ.એમ.સપ્રેના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે. જ્યારે શેરબજારને રેગ્યુલેટ કરતી સંસ્થા સેબીને પણ તપાસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. આ રિપોર્ટ બે મહિનામાં સબમિટ કરવો પડશે. ઉલ્લેખનિય છે કે અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડેનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ પર શેરોની કિંમતોમાં હેરફેર કરવા અને શેલ કંપનીઓના માધ્યમથી સ્ટોક્સની કિંમતમાં વધ-ઘટ કરવાના ગંભીર આરોપો મૂકાયા હતા. સેબી આ આરોપોની તપાસ કરી રહી છે. સુપ્રીમકોર્ટ દ્વારા રચાયેલી સમિતિમાં સેવાનિવૃત્ત જજ એ.એમ. સપ્રે ઉપરાંત ઓપી. ભટ્ટ, જે.પી. દેવધર, કે.વી. કામથ, નંદન નિલેકણી અને એડવોકેટ સોમશેખર સુંદરેસન પણ સામેલ છે. સુપ્રીમકોર્ટ દ્વારા રચાયેલી સમિતિએ અદાણી-હિંડેન બર્ગ વિવાદના કારણો અને બજાર પર તેની અસરની તપાસ કરવાની રહેશે. તેની સાથે જ રોકાણકારોની જાગૃકતાને મજબૂત કરવાના ઉપાયો સૂચવવાના રહેશે. પેનલ એ મામલે પણ ધ્યાન આપશે કે શું આ કેસમાં કોઈ નિયામકીય નિષ્ફળતા હતી?