જામનગર જિલ્લા સેવા સદન સબ રજીસ્ટ્રાર કચેરીના સરકારી રેકર્ડમાં છેડછાડ બાબતની કરેલી ફરિયાદનો ખાર રાખી બે શખ્સોએ ગુરૂવારે સાંજના સમયે સબ રજીસ્ટ્રારની ઓફિસમાં ઘુસી ઉગ્ર બોલાચાલી કરી ગાળો કાઢી જોઇ લેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં શરૂ સેકશન રોડ પર જીલ્લા સેવા સદનમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલ સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-1 ના સરકારી રેકર્ડમાં અશોક પરમારના સગા તથા નરશી ચાવડાના દિકરા ભાવિન ચાવડા વિરૂધ્ધ બનાવટી દસ્તાવેજો તથા સરકારી રેકર્ડમાં છેડછાડ બાબતની ફરિયાદ સબ રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવી હતી. આ ફરિયાદનો ખાર રાખી અશોક પરમાર અને નરશી ચાવડા નામના બે શખ્સોએ ગઈકાલે સાંજે સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઘુસી જઇ અધિકારી હર્ષ પરમાર સાથે ઉગ્ર બોલાચાલી કરી તમે ભાવિન ચાવડા વિરૂઘ્ધ ફરિયાદ કરી છે તેનું પરિણામ સારું નહીં આવે અમે તમને અને તમારા અધિકારીને જોઇ લેશું. તેવી ધમકી આપી ગાળાગાળી કરી બોલાચાલી કરી ઝઘડો કર્યા બાદ બંને શખ્સો નાશી ગયા હતાં.
ત્યારબાદ આ બનાવ અંગેની હર્ષ પરમાર દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ સરકારી અધિકારી સાથે બોલાચાલી કરી ધમકી આપ્યાના બનાવનો ગુનો નોંધી બંનેની ધરપકડ માટે શોધખોળ કરી હતી.