ઓખા મંડળમાં તાજેતરમાં લોકો માટે ખુલ્લા મુકવામાં આવેલા સુદર્શન બ્રીજ પર બેફામ રીતે બાઈક હંકારી અને સ્ટંટ કરતા કુલ સાત શખ્સો સામે પોલીસે અલગ અલગ ગુનાઓ નોંધી, દંડનીય કાર્યવાહી કરી હતી.
બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુની સુંદરતાનો લહાવો લેવાના બદલે અહીં પૂરઝડપે બાઈક ચલાવી અને સ્ટંટ કરતાં શખ્સો સામે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ બેટ દ્વારકા તથા ઓખા મરીન પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. આના અનુસંધાને બેટ દ્વારકાના રહીશ હાફિજ હમીદ પાંજરી, અરકાન હાજી મુસા પાંજરી, નિઝામુદ્દીન અલાના પાંજરી, દીધા અલીશા ફકીર મામદ ખલીફા, શકીલ જાફર માંડુ નામના પાંચ શખ્સો સામે બેટ દ્વારકા પોલીસે એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, વાહનો ડીટેઈન કર્યા હતા.
આ ઉપરાંત ગઈકાલે બુધવારે ઓખા મરીન પોલીસે સુદર્શન સેતુ પર આ પ્રકારની કાર્યવાહી આગળ ધપાવીને બેટ દ્વારકાના રહીશ આવેશ મજુરભાઈ નારીયા અને સમીર જીકરભાઈ સપ (રહે. ઓખા) સામે ધોરણસર કાર્યવાહી કરી, રૂ. 4,000 નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત અજમલ મુસ્તાક ફકીર સામે પણ ગુનો નોંઘ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી બેટ દ્વારકાના ઈન્ચાર્જ પી.આઈ. વી.આર. શુક્લ, એ.એસ.આઈ. લખમણભાઈ ગઢવી, મુકેશભાઈ ખીમસુરીયા, મુકેશભાઈ વાઘેલા, ઓખા મારીને પોલીસ મથકના પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રવીણભાઈ માડમ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.