અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે દેશભરના લોકોએ દાન આપ્યું છે. અને અત્યાર સુધી મંદિર માટે કરોડો રૂપિયાનું દાન મળી ચુક્યું છે. પરંતુ સૌથી વધુ દાન આપનાર રાજ્ય રાજસ્થાન બન્યું છે. અહીંથી મંદિરના નિર્માણ માટે 515 કરોડનો ફાળો મળ્યો છે.
અયોધ્યામાં નિર્માણ પામનાર રામમંદિર માટે નિધિ સમર્પણ અભિયાનમાં સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથકોવીંદે દાન આપ્યું હતું. તેઓએ 5લાખનું દાન કર્યું હતું. જયારે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપનાર રાજ્ય રાજસ્થાન બન્યું છે.દેશમાં સૌથી વધુ દાન રાજસ્થાનની જનતાએ 515 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહામંત્રી અને વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયે આ અંગે માહિતી આપી છે. રાજસ્થાનના 36000 ગામડાઓ અને શહેરોમાંથી આ દાન પ્રાપ્ત થયું છે. 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધીના આ અભિયાનમાં 1લાખ 75000 જૂથો દ્રારા ઘરે ઘરે સંપર્ક કરવામાં આવ્યો હતો.
જો ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદના હીરા વેપારી ગોવિંદભાઇએ 11 કરોડનું દાન આપ્યું છે. કથાકાર મોરારિબાપુએ કુલ રૂ.11 કરોડનું ફંડ એકત્ર કર્યુ છે. ભાવનગરના મહુવા રામકથા દરમિયાન મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી રામ મંદિર માટે 5 કરોડનું દાન એકત્ર કરવા આહવાન કર્યું હતું. અંતે ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં મુખ્ય રામમંદિર ત્રણથી સાડાત્રણ વર્ષમાં બનીને તૈયાર થઇ જશે. અને તેના બાંધકામ પાછળ 300થી 400 કરોડનો ખર્ચ થશે. 70એકર જમીન પર સંપૂર્ણ તીર્થસ્થાનના બાંધકામ પાછળ રૂ.1100 કરોડથી વધુનો ખર્ચ થવાની સંભાવના છે.


