Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકોની સ્થાયી સમિતિએ બજેટમાં સૂચવાયેલો કર વધારો અડધો કર્યો - VIDEO

જામ્યુકોની સ્થાયી સમિતિએ બજેટમાં સૂચવાયેલો કર વધારો અડધો કર્યો – VIDEO

કમિશનરની 53 કરોડની કર વધારાની દરખાસ્ત સામે 23.5 કરોડની દરખાસ્ત માન્ય : પાણી ચાર્જમાં રૂા. 350ના સ્થાને 150નો વધારો માન્ય રખાયો : મિલકત વેરાનો સૂચિત વધારો અડધો કરી દેવાયો

જામનગર મહાપાલિકાના વર્ષ 2023-24ના અંદાજપત્રમાં કમિશનર દ્વારા સૂચવવામાં આવેલો 53 કરોડનો કર દર વધારો સ્થાયી સમિતિએ અડધો કરી નાખ્યો છે. સૂચવાયેલા 53 કરોડના વધારાની દરખાસ્ત સામે 23.50 કરોડનો વધારો માન્ય રાખવામાં આવ્યો છે. જયારે બાકીનો વધારો ના મંજૂર કરવામા આવ્યો છે. પાણી ચાર્જમાં રૂા. 350ના વધારાની દરખાસ્ત સામે રૂા. 150નો વધારો માન્ય રાખવામાં આવ્યો છે. જયારે મિલકતવેરામાં સૂચવાયેલો વધારો લગભગ અડધો કરી નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રથમ વખત જ 2006 પહેલાંની એટલે કે, રેન્ટ બેઇઝ પધ્ધતિ મુજબની મિલકતવેરા તથા વોટરચાર્જની બાકી રકમ ઉપર 100 ટકા વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

ગત 31 જાન્યુઆરીએ મ્યુનિસિપલ કમિશનરે રજુ કરેલાં જામ્યુકોના રૂા. 1000 કરોડથી વધુના અંદાજપત્રમાં 53 કરોડની કરદર વધારાની દરખાસ્ત કરવામાં આવી હતી. સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ ચેરમેન મનિષ કટારિયાન અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ કમિશનરે સૂચવેલા કરદર વધારા પૈકી અડધાથી વધુનો કરદર વધારો ફગાવી દેવામાં આવ્યો છે. 53 કરોડ પૈકી 23.5 કરોડના વધારાની દરખાસ્ત માન્ય રાખવામાં આવી છે. જેમાં પાણી ચાર્જમાં રૂા. 150નો વધારો માન્ય રાખવામાં આવ્યો છે. કમિશનર તરફથી રૂા. 350નો વધારો સૂચવવામાં આવ્યો હતો. હાલ શહેરીજનો પાસેથી પાણી ચાર્જ પેટે વાર્ષિક રૂા. 1150ને વસુલવામાં આવે છે. આ ઉપરાંત મિલ્કતવેરામાં ફેકટર અનુસાર જે વધારો સૂચવાયો હતો. તે પૈકી પ0 ટકાથી વધુનો કર વધારો નામંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વ્હીકલ ટેકસમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જયારે મનોરંજન કર અને વ્યવસાય વેરો રાજય સરકારે નકકી કરેલાં દર મુજબ વસુલવા નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

બજેટ દરખાસ્તમાં થિયેટર ચાર્જ ભો ભાડું, કોર્પોરેશનની મિલકતના માસિક ભાડા જાહેરાત બોર્ડના દરો, પાર્કિંગ ચાર્જમાં સૂચવવામાં આવેલો વધારો સ્થાયી સમિતિ તરફથી માન્ય રાખવામાં આવ્યો છે. જયારે ટાઉનહોલ, આર્ટ ગેલેરી, પ્રાર્થના હોલ વગેરેના ભાડા યથાવત રાખવામાં આવ્યા છે. ઉપરાંત ભૂગર્ભ ગટર, હાઉસ કનેકશન ચાર્જ અને ફાયર સર્વિસ ચાર્જ પણ જૂના દર મુજબ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહાપાલિકા દ્વારા રેન્ટ બેઇઝ પધ્ધતિ મુજબ વેરાની બાકી રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી આપવાની યોજનાની મુદત 31 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત 2006 પછી ક્ષેત્રફળ આધારિત પ્રોપર્ટી ટેકસની બાકી રોકાતી રકમ 31 માર્ચ સુધીમાં ભરપાઇ કરી દેવામાં આવે તો તેમને પણ 100 ટકા વ્યાજ માફી આપવાની ભલામણ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular