આઇપીએલના બીજા ભાગમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળી શકે છે. અમીરાત ક્રિકેટ બોર્ડ 50 ટકા પ્રેક્ષકોને મેચ જોવાની અનુમતી આપી શકે છે. બોર્ડે આની સાથે એક શરત એ પણ રાખી છે કે મેચ જોવા માટે આવેલા તમામ દર્શકોએ ફરજિયાત વેક્સિન લીધી હોવી જોઇએ. જેનું વેક્સિનેશન થયું હશે એને જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે.
અધ્યક્ષ સૌરવ ગાંગુલી, વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુકલા, સેક્રેટરી જય શાહ, કોષાધ્યક્ષ અરૂણ ધુમલ અને ટૂર્નામેન્ટના ચેરમેન બ્રિજેશ પટેલ હાલ યુએઇમાં છે. તેઓ ટૂંક સમયમાં અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે બેઠક કરશે. આઇપીએલની બાકીની 31 મેચ સપ્ટેમ્બર-ઓકટોબરમાં યોજાશે. આની તારીખો પણ ટુંક સમયમાં જાહેર થશે.
રાજીવ શુકલાએ જણાવ્યું હતું કે પ્રેક્ષકોને પ્રવેશ આપવા કે નહીં એ નિર્ણય યુએઇ સરકાર અને ઇસીબીનો રહેશે. અમે આ બાબતે તેમની સાથે ચર્ચા કરીશું.
રાજીવ શુકલાએ કહ્યું હતું કે વેક્સિનેશન માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ. કારણ ફેઝ-2ની શરૂઆત 18-19 સપ્ટેમ્બરના રોજ થઇ શકે છે. જ્યારે ટૂર્નામેન્ટની ફાઇનલ 9મી અથવા 10મી ઓકટોબરના રોજ યોજાઇ શકે છે. 21 દિવસોની અંદર લીગ રાઉન્ડમાં 7 સિંગલ, 10 ડબલ હેડર મેચ યોજાઇ શકે છે. આના સિવાય કવોલિફાયર-1, કવોલિફાયર-2, એલિમિનેટર અને ફાઇનલ સહિત 4 પ્લે-ઓફ મેચ યોજાશે.