દેશના લોકો માટે અચ્છે દિનનો આધાર આજે પણ ચોમાસા પર રહ્યો છે ત્યારે આજે દેશના હવામાન વિભાગે નૈઋત્ય (સાઉથવેસ્ટ)નું ચોમાસુ ભારતમાં કેરલથી તા.31 મેના બેસવાની આગાહી કરી છે. આ પહેલા હવામાન વિભાગે દેશમાં ઈ.સ.2021નું ચોમાસુ સારૂ રહેવાની અને 98 ટકા વરસાદની આગાહી કરી છે. કેરલમાં બેસતું ચોમાસુ કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર, કચ્છ તરફ આવતું હોય છે.
આ પહેલા ગુજરાતમાં હોળીની ઝાળ અને આજે અખાત્રીજના પવનની ગુજરાતમાં વાયવ્ય અને પશ્ચિમની દિશા પરથી એકંદરે સારા ચોમાસાનો વરતારો લોકોએ કાઢ્યો છે જેને હવામાનની આગાહી પરથી અનુમોદન મળી રહ્યું છે. હાલ, અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડુ સર્જાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાને વેગ મળે તેવા એંધાણ છે.
આંદામાન નિકોબાર ટાપુ, બંંગાળની ખાડીમાં તો તા.21 મેથી વરસાદી ગતિવિધિ તેજ બની જશે. ઈ.સ.2005થી 2020 સુધીના 16 વર્ષમાં ચોમાસુ બેસવાની આગાહી કરાઈ હતી તેમાં ઈ.સ.2015ને બાદ કરતા બાકીના 15 વર્ષમાં સાચી પડયાનો દાવો કરાયો છે.
ગત પાંચ વર્ષમાં (1) ઈ.સ.2016માં તા.7 જૂનના પૂર્વાનુમાન સામે 8 જૂને (2) ઈ.સ.2017માં 30મેના પૂર્વાનુમાન સામે તે જ દિવસે (3) ઈ.સ.2018માં પણ 19 મેના પૂર્વાનુમાનના દિવસે જ ચોમાસુ બેઠું તો (4) ઈ.સ.2019માં તા.6 જૂનને બદલે તા.8 જૂને અને (5) ગત વર્ષ ઈ.સ.2020માં તા.1 જૂનની આગાહી સામે 5 જૂને કેરલમાં ચોમાસુ બેઠું હતું અને ગત ઈ.સ.2019,2020 એ બન્ને વર્ષે સારો વરસાદ વરસ્યો છે.
ગત વર્ષે સૌરાષ્ટ્રમાં દેશભરમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તા.15થી 20 જૂન સુધીમાં ચોમાસુ બેસતું હોય છે જો કે આ ચોમાસુ કેટલી ઝડપથી આગળ વધે છે તે જે તે વખતના કુદરતી સંજોગો પર આધારિત હોય છે. મહત્વની વાત એ છે કે ચોમાસા પહેલા જ શક્તિશાળી વાવાઝોડુ હાલ રચાઈ રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ વરસે અને જમીનમાં પૂરતો ભેજ ઉતરી જાય તેવી આશા છે. અને ત્યારબાદ પ્રિમોન્સૂન વરસાદી ઝાપટાં અને સમયસર ચોમાસુ આવે તો કૃષિપાક સતત ત્રીજા વર્ષે બમ્પર થવાની પણ આશા છે.
31 મે એ કેરળમાં બેસી જશે નૈઋત્યનું ચોમાસુ
વાવાઝોડાને કારણે ચોમાસાને મળશે વેગ: આ વર્ષે પણ ચોમાસુ સારુ રહેવાની આગાહી