Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં આજે પણ કટોકટી જેવી જ સ્થિતિ

દેશમાં આજે પણ કટોકટી જેવી જ સ્થિતિ

- Advertisement -

ભાજપમાં જ હોવા છતાં મોદી સરકારની સતત ટીકા કરનારા ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે. તેમણે દેશમાં વર્તમાન પરિસ્થિતિની સરખામણી દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની કટોકટી સાથે કરી છે. વધુમાં 2024માં મોદી સિવાય ભાજપનો ચહેરો કોણ હશે તેવો પણ સવાલ કર્યો છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, કટોકટી દેશનો કાળો અધ્યાય હતો. તે સમયે સવા લાખ લોકોને અકારણ જ જેલમાં ગોંધી દેવાયા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેમણે પોતે વેશ બદલીને મુંબઈના માર્ગે વિદેશ જતા રહેવું પડયું હતું. તેમણે વર્તમાન પરિસ્થિતિની કટોકટી સાથે સરખામણી કરતાં કહ્યું કે આજે દેશમાં કટોકટી તો નથી, પરંતુ સ્થિતિ એ તરફ જ જઈ રહી છે. લોકો નહીં જાગે તો ફરીથી પહેલાંની જેમ કટોકટી લદાઈ શકે છે.

- Advertisement -

સ્વામીએ કહ્યું કે નરેન્દ્ર મોદી પોતે કહેતા રહે છે કે જે પણ 75 વર્ષથી વધુ વયના છે તેમણે કોઈ પદ પર રહેવું જોઈએ નહીં. 75 વર્ષની વયને આધાર બનાવી ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને શાંતાકુમારને હાંસિયામાં ધકેલી દેવાયા હતા. નરેન્દ્ર મોદી હવે 75 વર્ષની વય નજીક પહોંચી ગયા છે. તેમણે જણાવવું જોઈએ કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો ચહેરો કોણ હશે? તેમણે કહ્યું કે કાર્યકરોમાં ઉત્સાહ જાગવો જોઈએ. કાર્યકરો નહીં પૂછે તો વાજપેયી જેવા હાલ થશે. એટલે કે સત્તા મેળવ્યા પછી ગુમાવવી પડશે. જોકે, તેમણે કહ્યું કે બધું જ બદલાશે અને 2024માં ભાજપની જ સરકાર બનશે.

ચીન સાથે ભારતના સંઘર્ષ મુદ્દે ભાજપ સાંસદે કહ્યું કે તેમને ખબર નથી પડતી કે સરકાર ચીન સાથે વાત જ કેમ કરી રહી છે. તે આપણી જમીન પર બેઠા છે અને આપણે વાત કરી રહ્યા છીએ. ભારતે ચીન સાથે યુદ્ધ કરવું જોઈએ. દુનિયાને બતાવવું જોઈએ કે આ 1962 નથી. ચીને આપણું અપમાન કરવા આ બધું કર્યું અને તે સફળ પણ રહ્યું. તેમનું કહેવું છે કે ચીને ઘૂસણખોરી કરી તો આપણે જવાબ આપવાની જરૂર હતી, પરંતુ આપણે વાટાઘાટો કરવાનો માર્ગ પસંદ કર્યો. વડાપ્રધાને ખોટું કહ્યું હતું કે ચીન ભારતની સરહદમાં આવી શક્યું નથી.

- Advertisement -

દેશમાં કોરોનાના કેર અંગે સ્વામીએ કબૂલ્યું કે કોરોનાની પહેલી લહેર પછી આપણે છાતી ઠોકીને કહ્યું કે આપણે કોરોનાને હરાવ્યો અને આપણે બીજા દેશો માટે પણ કામ કરીશું. આપણા આ અહંકારથી ઘણું નુકસાન થયું. કોરોનાનો માર દરેક વર્ગ પર પડયો છે.

સૌથી વધુ ગરીબો સંકટમાં મુકાયા છે. રામ મંદિરનો ઉલ્લેખ કરતાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મેં કેસ જીતાડયો, પરંતુ મને શિલાન્યાસમાં પણ આવવા ન દેવાયો. તેમણે કહ્યું મંદિર બન્યા પછી રામ લલાના દર્શન કરવા જરૃર જઈશ. રામ મંદિર જમીન કૌભાંડ પર તેમનું કહેવું હતું કે જે ચંપત રાય પર આરોપ મૂકાયા છે તે ખૂબ જ સજ્જન માણસ છે. તે બધું જ છોડીને સ્વયંસેવક બન્યા. જોકે, આ બધું નરેન્દ્ર મોદીએ જોવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular