Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતવડાપ્રધાન મોદી દ્વારા બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરાશે

વડાપ્રધાન મોદી દ્વારા બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરાશે

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દ્વારકા બેટ દ્વારકાનો કાર્યક્રમ મહદ અંશે મુકરર થયો છે. જાણવા મળતી વિગત મુજબ, તા. 24 ના રોજ દ્વારકાના સર્કિટ હાઉસમાં વડાપ્રધાન દ્વારકામાં રાત્રિ રોકાણ કરશે. તા. 25 ના રોજ દ્વારકાધીશના દર્શન કરી, તેઓ બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજને ખૂલ્લો મૂકશે.

- Advertisement -

વડાપ્રધાનના આ કાર્યક્રમ માટે ગુજરાત રાજ્ય સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ગઈકાલે શુક્રવારે સાંજે દ્વારકાના સર્કિટ હાઉસ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડયાએ સ્થાનીક અધિકારીઓ, દ્વારકાના પ્રાંત અધિકારી ભગોરા, નગરપાલીકા ચીફ ઓફીસર નીશીત ઉદય અને ડીવાય.એસ.પી. એમ.એમ. પરમાર તથા ધારાસભ્ય પબુભા માણેકને સાથે રાખીને દ્વારકાના હોટલ એસોસીએશન, વેપારી મંડળો અને એનજીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં કલેકટર પંડ્યાના જણાવ્યાનુસાર તા. 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીનું રાત્રિરોકાણ દ્વારકા ખાતે હોય, અને ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ ઉપર પ્રવાસનલક્ષી સુવિધા તેમજ શ્રી કૃષ્ણના શયન સ્થાન એવા બેટ દ્વારકાને ભૂમાર્ગે જોડતો સિગ્નેચર બ્રિજ ખૂલ્લો મૂકવાનો છે. ત્યારે વડાપ્રધાનના આગમન સાથે સમગ્ર દ્વારકા ક્ષેત્ર એક મહાઉત્સવ સાથે ઉપસી આવે તેવી તૈયારીઓ શરૂ કરવા અપીલ કરી હતી.

- Advertisement -

આ બેઠકમાં જિલ્લા કલેકટરે વડાપ્રધાનના કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે તેઓ દ્વારકાધીશના દર્શન કરી, દ્વારકા ખાતેના એન.ડી.એચ. હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં જંગી જનમેદનીને સંબોધન કરનાર છે. આ કાર્યક્રમ દરમ્યાન તા. 24 મી એ રાત્રિના રાજ્ય સરકાર, પાલીકા, હોટલ એસો., વેપારી મંડળો, દ્વારકા તાલુકાની કચેરીઓ, જાહેર માર્ગો, પ્રવેશ દ્વારો, દ્વારકાધીશના દ્વારકા બેટ દ્વારકાના મંદિરો સહિતના મહત્વના સ્થળોએ રોશનીથી ઝળહળતા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે દરેક સંસ્થાઓને ડેકોરેટીવ કરવા પણ આ બેઠકમાં અપીલ કરી હતી.

આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ બેટ દ્વારકા તથા દ્વારકા શહેરમાં આવેલ તમામ મિલકતો, બજારો, રહેણાંકો વિગેરેને પણ લાઈટીંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવનાર છે.

- Advertisement -

નરેન્દ્ર મોદીના પ્રસ્થાવિત કાર્યક્રમ અંગે ગુજરાત રાજયના માર્ગ અને મકાન વિભાગના સચિવ, પ્રવાસન વિભાગના સચિવ તથા રાજ્યના અનેક અધિકારીઓ કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા અંગે આજે દ્વારકા આવી રહયા છે. આજથી જ દ્વારકા શહેરમાં રખડતા પશુઓને અન્યત્ર ખસેડવા અભિયાન હાથ ધરવામાં આવનાર છે. ખાસ કરીને દ્વારકા શહેરમાં વિશેષ સફાઈ ઝુંબેશ પણ હાથ ધરાશે જે માટે બહારથી પણ સફાઈકર્મીઓ આવનાર છે. વડાપ્રધાનની મુલાકાતના પગલે કાયદો અને સુરક્ષા માટે પણ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને રાજ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુરક્ષાલક્ષી તૈયારીઓ શરૂ કરવામાં આવનાર છે. ધારાસભ્ય પબુભા માણેકે દ્વારકા ક્ષેત્રના દ્વારકાથી ઓખા, મીઠાપુર, સુરજકરાડી, આરંભડા અને બેટ દ્વારકામાં ઘરે ઘરે તા. 24 મી એ દીપ પ્રાગટય કરવા માટે લોકોને અપીલ કરી છે.

દ્વારકા શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ બુજડ દ્વારા પણ શહેર સંગઠનના હોદેદારો, સદસ્યોની તથા પાલીકાના માજી સદસ્યોની ખાસ બેઠક બોલાવવામાં આવનાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular