જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં રહેતાં વૃધ્ધ કરિયાણાના દુકાનદારને બાજરીનો કડવો લોટ બદલાવવા જતાં દુકાનદારે વૃદ્ધને જાતિ પ્રત્યે અપમાનિત કરી પ્લાસ્ટિકના પાઈપ વડે માર માર્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને ખેતી કરતા કરશનભાઈ કાનાભાઈ ગેડા (ઉ.વ.65) નામના વૃધ્ધ ખેડૂતે ગામમાં યશપાલસિંહની દુકાનેથી લીધેલો બાજરીનો લોટ કડવો નિકળતા બદલાવવા માટે દુકાને ગયા હતાં ત્યારે દુકાનદારે ‘બધો લોટ આવો જ છે તમારે ના જોતો હોય તો પાછો આપી દો હું તમને પૈસા પાછા આપી દઇશ’ તેમ જણાવતા વૃધ્ધે બાજરાનો લોટ પરત આપતા ઉશ્કેરાયેલા દુકાનદાર યશપાલસિંહ જયેન્દ્રસિંહ સોઢા એ વૃધ્ધને જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારી દુકાનમાં પડેલા પ્લાસ્ટિકના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. બાજરાનો લોટ પરત આપવા આવેલા વૃધ્ધને અપમાનિત કરી હુમલો કરતા ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણના આધારે ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધા તથા સ્ટાફે વૃદ્ધના નિવેદનના આધારે દુકાનદાર યશપાલસિંહ વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.