દેશમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. આજે 2મહિના બાદ દેશમાં 1લાખ કરતા પણ ઓછા કેસ નોંધાતા તમામે રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે મૃત્યુદર યથાવત છે. છેલ્લા 24કલાકમાં 2427 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ મૃતકઆંક 3.5લાખથી પણ વધુ થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર દેશમાં અત્યાર સુધી 2કરોડ 89 લાખ 96હજાર 473 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. કુલ કેસોમાંથી 2 કરોડ 73 લાખ 41 હજાર 462 લોકોએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે 3 લાખ 51 હજાર 309 દર્દીઓ અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા પણ સતત ઘટી રહી છે. હાલમાં ભારતમાં કોરોનાના સક્રિય કેસ 13 લાખ 3 હજાર 702 છે. આજે કોરોનાના 86 હજાર 498 નવા કેસ નોંધાયા છે. જે બીજી લહેર દરમિયાન પ્રથમ વખત 1લાખથી ઓછા છે. 63 દિવસ અગાઉ 1લાખથી ઓછા કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે 31 લાખ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. બિહાર, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 18-44 વર્ષની વય જૂથના 10 લાખથી વધુ લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.