દેશના એક ડઝન કરતા પણ વધારે રાજ્યો કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. મહામારીને નિયંત્રણમાં લેવાનો અનુભવ હોવા છતા આ રાજ્યોમાં સ્થિતિ સામાન્ય નથી થઈ રહી. તેનું મુખ્ય કારણ વાયરસ પહેલા કરતા વધુ આક્રમક બન્યો તે છે. આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો કોરોના વાયરસની આક્રમકતામાં 300 ટકાનો વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકારે મહામારીની બીજી લહેર માટે રાજ્યોને જવાબદાર ઠેરવ્યા છે.
ગત વર્ષે માર્ચ મહિનામાં સંક્રમણના કેસ વધ્યા હતા. જો કે, તે સમયે દરરોજ સરેરાશ 187 સંક્રમિત દર્દીઓ મળતા હતા. ત્યાર બાદ જુલાઈમાં દરરોજ 60,000 કરતા વધારે કેસ સામે આવવા લાગ્યા હતા.
પરંતુ આ વખતે કોરોના વાયરસે માર્ચ મહિનામાં જ 60,000 કરતા વધારેનો આંકડો સર કરી લીધો છે. છેલ્લા 30 દિવસમાં સક્રિય દર્દીઓની સંખ્યા 3 લાખથી વધી ગઈ છે. આ વખતે કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યામાં પણ 200 ટકાનો વધારો નોંધાયો છે.