મંગળયાત્રા મુશ્કેલ છે, કેમ કે ત્યાં ઓક્સિજન નથી. ઓક્સિજન બની શકે તો મંગળ પર જવાની દિશામાં વધુ ગંભીરતાથી પ્રયાસો થઈ શકે. સદ્ભાગ્યે નાસાના યાન પર્સેવેરન્સે મંગળ પર ત્યાંના વાતાવરણ પર પ્રક્રિયા કરી 5.4 ગ્રામ ઓક્સિજન બનાવ્યો હતો. મંગળ પર કોઈ યાને ઓક્સિજન બનાવ્યો હોય એવી આ ઈતિહાસની પ્રથમ ઘટના છે.
નાસાએ પર્સેવેરન્સ યાનમાં મોક્સિ નામે એક ઉપકરણ ફીટ કર્યું હતું. જેનું કામ મંગળની સપાટી પર ઓક્સિજન તૈયાર કરવાનું હતું. એ કામગીરીમાં સફળતા મળી છે. 5.4 ગ્રામ ઓક્સિજન તૈયાર કરતાં કલાક જેટલો સમય લાગ્યો હતો. આટલો ઓક્જિસન એક અવકાશયાત્રીને દસ મિનિટ સુધી શ્વાસ લેવામાં કામ લાગી શકે છે. ભવિષ્યની મંગળયાત્રાઓની દિશામાં આ મોટું સંશોધન છે. મંગળ પર ઓક્સિજન નથી, પણ બનાવી શકાય એ સાબિત થયું છે. મંગળયાત્રામાં મોટો અવરોધ ઓક્સિજનની કમી હતો. કેમ કે ઓક્સિજન ન હોવાથી એ સાથે લઈ જવો પડે અને સાથે લઈ જતાં રોકેટનું વજન ખાસ્સું વધી જાય.
દરમિયાન નાસાના મંગળ પર ઉતરેલા હેલિકોપ્ટર ઈન્જિન્યુઈટીએ બીજી વખત સફળ ઊડાન ભરી હોવાની માહિતી નાસાએ આપી હતી. નાસાની માહિતી પ્રમાણે 22મી એપ્રિલે હિલિકોપ્ટર બીજી વખત ઉડયું હતું અને 51.9 સેક્ધડ સુધી ઉડતું રહ્યું હતું. આગામી દિવસોમાં હેલિકોપ્ટર વધુ કેટલીક ઉડાનો પણ ભરશે.