કોવિડ-19 સામે સરકારના અધિકાંશ નિયંત્રણો હળવા થઈ ચૂક્યા છે. જો કે, માસ્ક પહેરવુ હજીએ ફરજીયાત છે. ભારત સરકાર હવે તેને આસ્તે આસ્તે મરજીયાત કરવા આગળ વધી રહી છે. ટૂંક જ સમયમાં નવી માર્ગદર્શિકા સાથે આ સંદર્ભે નિર્ણય જાહેર થઈ શકે છે. તેમ જાણવા મળ્યુ છે. દેશના અનેક રાજયોમાં માસ્ક પહેરવા સંદર્ભે નિયમો હળવા કરાયા છે. દિલ્હીમાં તો કારમાં સિંગલ ડ્રાઈવ કરનાર માટે માસ્ક મરજીયાત કરી દેવાયુ છે. અનેક રાજયોમાં ગ્રામિણ, નાના શહેરો અને મોટા શહેરોમાં ચેપનો ફેલાવો નહી ધરાવતા વિસ્તારોમાં માસ્ક પહેરવાના નિયમો હળવા થઈ ચૂક્યા છે ત્યારે દેશમાં સૌથી વધુ દંડ ધરાવતા ગુજરાતમાં કેન્દ્રની નવી ગાઈડલાઈનથી ફરજીયાત માસ્કના નિયમ સામે રાહત મળી શકે છે તેવા સંકેતો દિલ્હીથી આવેલા ભાજપના નેતાઓમાંથી મળ્યા છે. ગુજરાતમાં નાગરીકોને ફરજીયાત માસ્કમાંથી છુટકારો કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિના અગાઉ નિવેદન આપ્યુ હતુ. જો કે, રાજયમાં માસ્કના દંડની રકમ હાઈકોર્ટના આદેશથી નિયત થઈ હોવાથી પાછળથી સરકારે તેમાં ઘટાડો કે પછી નાના શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં નિયમને મરજીયાત કરવા કોઈ જ કાર્યવાહી કરી નથી. આથી, કેન્દ્રની માર્ગદર્શિકામાં ફેરફાર બાદ ગુજરાતના નાગરીકોને રાહત મળી શકે તેમ હોવાનું કહેવાય છે.