જામનગર તાલુકાના સીક્કા નગરપાલિકાની હાલમાં જ ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ 14, ભાજપા 12 અને એનસીપી ને 2 બેઠકો પર વિજય મળ્યો હતો. આજે આ નગરપાલિકાના હોદ્દેદારોની વરણીમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂંક કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા નગરપાલિકાની 28 બેઠકો માટે ગત માસમાં ચૂંટણી યોજવામાં આવી હતી અને આ ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને 14, ભાજપાને 12 તથા એનસીપીનો 2 બેઠક પર વિજય થયો હતો.
ત્યારબાદ આજે આ નગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવાની હોય તે પૂર્વે કોંગ્રેસના બે સભ્યો ભાજપામાં જોડાયા હતાં. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભરવાડિયા તથા ઉપપ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા તેમજ કોંગ્રેસના સીક્કા નગરપાલિકાના પ્રભારી હારૂન પલેજા અને સીક્કા શહેર કોંગ્રેસ પ્રમુખ સીદીક મેપાણી દ્વારા નગરપાલિકામાં સત્તા મેળવવા માટે રાજકીય કુનેહથી એનસીપીના બે ઉમેદવારોને કોંગ્રેસમાં સામેલ કરાવ્યા હતાં અને આજે આ હોદ્દેદારોની વરણીમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના જુસબ જે. બારૈયાની વરણી થઈ હતી. જ્યારે ઉપપ્રમુખ માટે ટાઈ પડતા ચીઠી દ્વારા નિર્ણય કરવામાં આવતા ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના અસગર દાઉદ ગંઢાર ચૂંટાયા હતાં.