મહાત્મા ગાંધીની સાથે જોડાણ અને તેમના દ્વારા સાબરમતી નદીના કિનારે સ્થાપિત આશ્રમ ના કારણે સાબરમતી એક વિશ્વ પ્રસિદ્ધ શહેર છે. પશ્ચિમ રેલ્વેનું સાબરમતી રેલ્વે સ્ટેશન એ રાષ્ટ્રીય મહત્વની આ ઇમારતની નજીકનું રેલ્વે સ્ટેશન છે. આ જોતાં, ભારતીય રેલ્વેએ આ સ્ટેશન ને એક અત્યાધુનિક રેલ્વે સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ભારતીય રેલ્વે આધુનિક સુવિધાઓ ની સાથે 200 થી વધુ રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાના ટર્મિનલ તરીકે પુનઃવિકાસ કરી રહી છે, જેથી સામાન્ય રેલ મુસાફર પણ આરામદાયક, સુવિધાજનક અને આનંદપ્રદ રેલ મુસાફરીનો અનુભવ કરી શકે.
આપણા રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ રૂપે, ભારતીય રેલવે દાંડી કૂચની થીમ પર સાબરમતી સ્ટેશનનો પુનઃવિકાસ કરી રહી છે. સ્ટેશનની ડિઝાઇનમાં ગાંધીજી ના જીવન થી જોડાયેલ વિવિધ પાસાઓ જેમ કે ચરખા અને ઐતિહાસિક દાંડી કૂચનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેશન ની ડિઝાઇનને એવી વાસ્તુકલા ની સાથે બનાવવામાં આવી છે જેનાથી સમગ્ર સ્ટેશન સંકુલના સુંદરતામાં સુંદર અગૃભાગ અને કલર સ્કીમ ની એકીકૃત થીમ દ્વારા વૃદ્ધિ સુનિશ્ચિત થશે અને એક સુખદ વાતાવરણ પ્રદાન કરવામાં આવશે. ભાવિ સ્ટેશનનું લઘુચિત્ર મોડેલ સાબરમતી સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે જેથી મુસાફરોને સ્ટેશન ના ભાવિ સ્વરૂપ ની માહિતી અને અનુભવ મળી શકે છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, એ પણ ઉલ્લેખનીય છે કે સાબરમતી સ્ટેશનના પુનઃવિકાસનું કામ શરૂ થઈ ગયું છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા રૂ. 334.92 કરોડના મંજૂર ખર્ચે પુનઃવિકાસ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે અને તે મે, 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) માટેનું ટેન્ડર નવેમ્બર, 2022માં એનાયત કરવામાં આવ્યું છે અને જીઓ-ટેક્નિકલ તપાસ, સાઇટ સર્વે અને યુટિલિટી મેપિંગ નું કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
આ અંગે વધુ માહિતી આપતાં ઠાકુરે જણાવ્યું હતું કે સાબરમતી સ્ટેશન માં એક જ રેલવે યાર્ડની બંને બાજુએ બે સ્ટેશન એટલે કે SBT (પશ્ચિમ દિશા) અને SBI (પૂર્વ દિશા) છે. વિરમગામ અને ભાવનગરથી અમદાવાદ સુધી ટ્રાફિક નું સંચાલન પશ્ચિમ દિશા નાં (SBT) સ્ટેશન દ્વારા નિયંત્રિત થાય છે જ્યારે દિલ્હીથી અમદાવાદ અને આગળ મુંબઈ તરફનો ટ્રાફિક પૂર્વ દિશા નાં સ્ટેશન (SBI) દ્વારા સંચાલિત થાય છે. અમદાવાદ સ્ટેશનની ભીડ ઓછી કરવા માટે રેલવેએ સાબરમતી રેલવે સ્ટેશનને પુનઃવિકાસ કરવાની યોજના દિલ્હી જતી ટ્રેનો માટે વૈકલ્પિક કોચિંગ ટર્મિનલ તરીકે બનાવી છે. સાબરમતી સ્ટેશનને એવી રીતે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યું છે કે સ્ટેશનની આસપાસ પરિવહનના તમામ માધ્યમોને એકીકૃત કરી શકાય. તે સ્કાયવોક દ્વારા હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન અને હબ, સાબરમતી અને AEC મેટ્રો સ્ટેશનો, BRTS, AMTS સાથે જોડવામાં આવશે. આ પરિવહનના આ સાધનોનો ઉપયોગ કરનાર મુસાફરો માટે સરળ આદાન-પ્રદાનની સુવિધા ઉપલબ્ધ કરાવશે.
સાબરમતી રેલ્વે સ્ટેશનને વિવિધ સુખ-સાધનો અને સુવિધાઓ માટે પૂરતી જગ્યા સાથે એક વ્યૂહાત્મક રીતે ડિઝાઇન કરાયેલ સ્ટેશન તરીકે અપગ્રેડ અને પુનઃવિકાસ કરવામાં આવી રહ્યું છે. આ યોજનામાં અલગ આગમન/પ્રસ્થાન, પેસેન્જર પ્લાઝા, સ્ટેશન પરિસરમાં ભીડ ભાડ મુક્ત અને સરળ પ્રવેશ/નિકાસ, ભૂગર્ભ પાર્કિંગ વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. બિલ્ડિંગનો કુલ બિલ્ટ-અપ એરિયા SBIમાં અંદાજે 19,582 ચોરસ મીટર અને SBTમાં અંદાજે 3,568 ચોરસ મીટર છે, જેમાં અવર – જવર માટે પૂરતી જગ્યા, કોનકોર્સ અને પૂરતી રાહ જોવાની જગ્યા છે. પ્લેટફોર્મ પર ભીડ ન થાય તે માટે પ્લેટફોર્મની ઉપર કોનકોર્સ/વેટિંગ સ્પેસમાં મુસાફરોની સુખ-સાધન અને સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. રેલ્વે સ્ટેશન દિવ્યાંગજનો માટે સુવિધાઓથી સજ્જ હશે, જે તેને 100% દિવ્યાંગ મૈત્રીપૂર્ણ બનાવશે. સ્ટેશન બિલ્ડીંગ ગ્રીન બિલ્ડીંગ હશે જેમાં ઊર્જા, પાણી અને અન્ય સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ, પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વગેરે જેવી સુવિધાઓ હશે. સ્ટેશન અત્યાધુનિક સલામતી અને સુરક્ષા તકનીકોથી પણ સજ્જ હશે, જેમાં બહેતર સ્ટેશન વ્યવસ્થાપન માટે સ્માર્ટલી ડિઝાઇન કરાયેલી સુવિધાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પશ્ચિમ રેલ્વેનું ગાંધીનગર કેપિટલ સ્ટેશન એ ભારતીય રેલ્વેનું પ્રથમ સ્ટેશન છે જેનું વિશ્વ-કક્ષાના સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવામાં આવ્યું છે અને અન્ય બે સ્ટેશનો મધ્ય પ્રદેશમાં ભોપાલ નજીક રાણી કમલાપતિ અને બેંગલુરુ, કર્ણાટકમાં સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનલ છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવેના 6 સ્ટેશનો અર્થાત સોમનાથ, સુરત, ઉધના, નવા ભુજ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનોના પુનઃવિકાસની કામગીરી ચાલી રહી છે.