જામનગર સહિત સમગ્ર રાજયમાં સૌ જાણે છે એમ આ વર્ષે વરસાદની ખેંચ છે. જેમ-જેમ દિવસો લંબાવતાં જાય છે આ ખેંચ 51 ટકા જેટલી આગળ વધી ગઇ છે. જગતાત એવાં ખેડૂતો પરેશાન છે. સિંચાઇનું પાણી મળતું નથી. ડેમોમાં ઓછું પાણી છે. પાણીનો અમુક જથ્થો પીવા માટે અનામત રાખવો પડે છે. ઓછાં જથ્થાને કારણે વાડી ખેતરો સુધી પમ્પીંગથી પાણી પહોંચાડવામાં તકલીફો પડે છે. સમસ્યાઓ પુષ્કળ છે. પાક મૂરઝાય છે. ખેડૂતો આકાશભણી નજર તાકી બેઠાં છે, કદાચ જગતનિયંતાની કૃપા વરસે.
અત્રે માત્ર સસોઇ અને પન્ના ડેમની વાત કરીએ:-
આ બન્ને જળાશયો જામનગરથી નજીક આવેલાં છે. ઓછાં વરસાદના કારણે આ જળાશયોમાં પાણીનો જથ્થો હાલમાં ઓછો છે. સસોઇ ડેમના નિચેના વિસ્તારોમાં અંદાજે 45 ચોરસ કિમી એરિયામાં ઘણાં વાડી ખેતરો આવેલાં છે જેઓને હાલમાં સિંચાઇના પાણીની જરૂરિયાત છે પરંતું પાણી મળતું નથી. પાણીની માંગણી સાથેના ફોમ આ ખેડૂતોએ સિંચાઇ વિભાગમાં જમા કરાવી દીધાં છે. હેકટર દિઠ સરકારમાં જે રકમ પાણી માટે ભરવાની હોય તે રકમો પણ ખેડૂતોએ ચૂકવી દીધી છે. જોકે, હજુ સુધી ખેડૂતોને આ રકમની પહોંચો મળી નથી. આ ખેડૂતોને સિંચાઇનું પાણી પણ મળતું નથી. બીજી બાજુ કેટલાંક વિસ્તારોમાં પાણી ચોરી થઇ રહી છે. પાણીની કેટલીક કેનાલો જાળવણીના અભાવે ક્ષતિગ્રસ્ત બની ગઇ છે. કેટલીક કેનાલોમાં બાવળ સહિતના ઝાડવા ઉગી ગયા છે. ખેડૂતોના કહેવા પ્રમાણે કેટલીક કેનાલો નકામી બની ગઇ છે.
સિંચાઇ વિભાગની વાત કરીએ તો એક સમયે સસોઇ ડેમ નીચેના આ વિસ્તારોના વાડી ખેતરોમાં તથા પન્ના ડેમ હેઠળના અંદાજે 18 ચોરસ મીટરના વિસ્તારોમાં આવેલાં વાડીખેતરોમાં સિંચાઇનું પાણી પહોંચાડવા માટે આ વિભાગ પાસે 40થી 45 માણસોનો સ્ટાફ હતો. જેમાં દાડિયાથી માંડીને ઇજનેરો સુધીના લોકોનો સમાવેશ થતો હતો. છેલ્લાં કેટલાંક વર્ષથી સરકારે સિંચાઇ વિભાગને સ્ટાફવિનાનો બનાવી દીધો છે. 40ની જગ્યાએ હાલ માત્ર એક ઇજનેર દોડા-દોડી કરે છે. અંદાજે 63 ચોરસકિમી. ના વિસ્તારમાં એક માણસ કેવી રીતે પહોંચી શકે ? ઉપરાંત તેને 24 કલાક દરમ્યાન પાણી માટે સેંકડો ફોન પણ આવતાં હોય. મોટાંભાગના વાડી ખેતરો એવાં હોય જયાં વાહન લઇને જ જઇ શકાય, પગપાળા જવું પડે. આ સ્થિતિમાં પાણી વિતરણ વ્યવસ્થાનું મોનિટરીંગ કેવી રીતે થઇ શકે ? આ પ્રશ્ર્ન આટલો ગંભીર હોવા છતાં જિલ્લા સ્તરે કયાંય આ પ્રશ્ર્નની ચર્ચા શા માટે નથી થતી? એ પ્રશ્ર્ન પણ ગંભીર છે.
દર વર્ષે સરકાર ખાનગી એજન્સી મારફત આ બધી વિતરણ વ્યવસ્થા સંભાળે છે. આ વર્ષે જળાશયોમાં એક તરફ પાણી નથી અને બીજી તરફ વરસાદ ખેંચાયો છે. આ ઇમરજન્સી સમયમાં ખાનગી એજન્સીને કામ સોંપવા માટેની ટેન્ડર પ્રક્રિયા વગેરે થયું નથી. સિંચાઇ વિભાગના એક માત્ર કર્મચારી મારફત આખા વિષયનું ગાડું ગબડાવવામાં આવે છે. પરિણામે જગતનો તાત પરેશાન છે. એમાં પણ જો હજુ વરસાદ ખેંચાશે તો ખેડૂતોની સ્થિતિ ખુબ જ ગંભીર બની જશે. લાગતાં વળગતાંઓ ખેડૂતોની આ કફોડી હાલત અંગે તાકિદે વિચારે તે જરૂરી છે. અત્રે નોંધનીય છે કે, રાજયકક્ષાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સિંચાઇના પાણી અંગે જાહેરાતો અને નિવેદનો થઇ રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ ઝિરો એટલે કે, જમીની હકિકતો શું છે? તે અંગેના રિપોર્ટ જિલ્લાકક્ષાએથી રાજયકક્ષાએ યોગ્ય રીતે ન પહોંચતા હોય, તેવું અત્યારે જોવા મળી રહ્યું છે જે ચિંતાનો વિષય છે.
વરસાદ ખેંચાયો, ડેમમાં ઓછું પાણી,ખેડૂતો સિંચાઇ માટે તરસે, અને સાથે-સાથે પાણીચોરી પણ ચાલુ !
જામનગર જિલ્લાના સિંચાઇ વિભાગમાં ભારે અવ્યવસ્થા અને આગોતરા આયોજનનો અભાવ