ખંભાળિયા શહેરના પાદરમાં પોરબંદર માર્ગને જોડતા કેનેડી બ્રિજની જર્જરીત હાલતના કારણે હવે મર્યાદા આવી ગઈ હોય, તેમ ખખડી ગયેલા આ બ્રિજ પરથી હવે હળવા કે ભારે વાહનો જ નહીં પરંતુ લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે.
ખંભાળિયાથી ભાણવડ તથા પોરબંદર તરફ જતા માર્ગે શહેર નજીક આવેલા ખામનાથ મંદિર પાસે આવેલો કેનેડી બ્રિજ કે જે આશરે 120 વર્ષ જૂનો છે. અંગ્રેજોના સમયના આ જૂના પુલની હાલત હાલ ખૂબ જ જર્જરીત બની જવા પામી છે.
આ પુલ જોખમી જણાતા થોડા સમય પૂર્વે આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવતાં અહીં મોટી આડશો મૂકી દેવામાં આવી હતી. આ પછી સુરતની સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રાયોગિક સંસ્થાના રિપોર્ટ મુજબ આ બ્રિજ સંપૂર્ણપણે અસુરક્ષિત હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે બુધવારે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી, આ બ્રિજ પરથી કોઈપણ વાહનો ઉપરાંત લોકોની અવરજવર સામે પણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આશરે 120 વર્ષ જૂના આ બ્રિજના કારણે કોઈ અકસ્માત કે જાનહાની ન સર્જાય તે માટે સાવચેતીના પગલાં રૂપે આ માર્ગ માટેના વૈકલ્પિક રસ્તા તરીકે અહીંના મિલન ચાર રસ્તાથી સલાયા ફાટક થઈને જનરલ હોસ્પિટલ પાસે આવેલા સલાયા ચાર રસ્તાથી પાયલ હોટલ ત્રણ રસ્તા થઈને પોરબંદર તથા દ્વારકા તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવા પણ વધુમાં જણાવ્યું છે.
આ હુકમનો ચુસ્તપણે અમલ કરવા પણ વધુમાં તાકીદ કરી, લોકોને આ જાહેરનામાનો અમલ કરવા અપીલ કરવામાં આવી છે.
ભાણવડ તથા પોરબંદર તરફથી આવવા તથા જવા માટે ઉપરાંત નજીકના રામનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર માટેનો આ પુલ હવે બંધ થઈ જતા દરરોજ મોટી સંખ્યામાં આ વિસ્તારના રહીશો તથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ત્યારે છેલ્લા ઘણા વર્ષથી આ પુલ ખખડધજ હોવા છતાં પણ તંત્ર દ્વારા આ પુલ તોડી પાડીને નવો પુલ બનાવવા માટે નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. આ પુલ તોડીને તાકીદે નવેસરથી બને તેવી માંગ પણ આ વિસ્તારમાં અવર-જવર કરતા લોકોમાં ઉઠવા પામી છે.