જામનગર મહાનગર પાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગાર્ડનમાં નજીકના ક્લિનિકમાં સર્વિસ કરતા કર્મચારીનું પર્સ ખોવાઈ ગયું હતું. જે ગાર્ડનના માળી અને સફાઈ કર્મચારીને મળતા તેઓએ સહી સલામત તેમને શહેર મેયર બીનાબેન કોઠારીના હસ્તે પરત કરી ઈમાનદારી દાખવી હતી.
જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ નજીક આવેલ સ્વામી વિવેકાનંદ ગાર્ડનમાં ગુરૂવારે સાંજે ખુશ્બુબેન નામના મહિલા હળવાસ અનુભવવા માટે ગાર્ડનમાં આવ્યા હતાં. આ દરમિયાન તેઓ બહાર જતી વખતે તેનું પર્સ ગાર્ડનમાં જ ભૂલી ગયા હતાં. જે પર્સની અંદર તેમના આધારકાર્ડ-પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ, રોકડ રકમ સહિતના જરૂરી દસ્તાવેજો હતાં. આ પર્સ સ્વામી વિવેકાનંદ ગાર્ડનના માળી જયંતીભાઈ સવાસડિયા, કિરીટભાઈ સોનગરા તથા સફાઈ કર્મચારીને મળી આવતા તેઓએ ઓફિસમાં જમા કરાવી સિવિલ/ગાર્ડન શાખાના અધિકારી હરેશભાઈ વાણીયાનો સંપર્ક કર્યો હતો અને પર્સની ખરાઈ કરી ખુશ્બુબેનનો સંપર્ક કરી મેયર બીનાબેન કોઠારીના હસ્તે આ પર્સ ખુશ્બુબેનને સલામત રીતે પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયું હતું.