ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં ફેરફાર આવી રહયા છે. નવું ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા એક મહિના અગાઉ તૈયારી શરૂ કરવી પડશે કારણ કે લાયસન્સ મેળવતા પહેલા વીડિયો ટ્યૂટોરિયલ કોર્સ પુરો કરવો પડશે.
સૂત્રોએ જણાવ્યુ કે નવા ડ્રાઈવિંગ લાયસન્સની અરજી માટે ઓનલાઈન વીડિયો ટ્યૂટોરિયલ અને વર્તમાન લાયસન્સધારકો માટે સેફટી સર્ટિફિકેશન કોર્સનો વિસ્તૃત પ્રોટોકોલ આગામી કેટલાક સપ્તાહમાં સંશોધિત મોટર વ્હીકલ એકટ અંતર્ગત સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સામેલ કરવામાં આવશે. આ એક ઈન્ટીગ્રેટેડ સિસ્ટમ હશે. કોઈ પણ વ્યક્તિ કોર્સ પૂર્ણ કર્યા વિના ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી નહીં શકે.
ડ્રાઈવિંગ લાયસન્સની પરીક્ષામાં સામેલ થતાં પહેલા વીડિયો ટ્યૂટોરિયલ જોઈ, સુરક્ષિત ડ્રાઈવિંગની રીતભાતનો ઉંડાણથી અભ્યાસ કરવો પડશે. નવું ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા ઈચ્છુકોને વીડિયો ટ્યૂટોરિયલમાં એ પરિવારના સદસ્યોના ઈન્ટરવ્યૂ દર્શાવવામાં આવશે જેઓ અસુરક્ષિત ડ્રાઈવિંગનો ભોગ બન્યા છે. નવા ઉપરાંત વર્તમાન લાયસન્સધારકો માટે પણ નિયમોમાં સખ્તાઈ આવશે. જો અસુરક્ષિત ડ્રાઈવિંગ, નિયમ ભંગ કરતાં ઝડપાશે તો તેમણે એક ડ્રાઈવર સેફટી સર્ટિફિકેટ કોર્સ કરવો પડશે. તે ચાલકોએ રિફ્રેશર્સ કોર્સ 3 મહિનામાં પુરો કરવો પડશે. તે માટે ચાલકના લાયસન્સને આધાર સાથે લિંક કરવામાં આવશે. જેની મદદથી કોર્સ પૂર્ણ કર્યો છે કે કેમ ? તે ટ્રેક કરવામાં આવશે.