જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેડૂતના મકાનની બારી તોડી રૂમમાં પ્રવેશ કરી ત્રણ લાખની માલમતાની ચોરીના બનાવમાં શેઠવડાળા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી બે તસ્કરોને દબોચી લઇ રૂા.1,90,000 ની રોકડ રકમ કબ્જે કરી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને ખેતી કરતા લખમણભાઈ નાથાભાઈ નંદાણિયા નામના યુવાન ખેડૂતના બંધ રૂમની પાછળ આવેલી બારી તોડીને રૂમમાં અંદર પ્રવેશ કરી કબાટના દરવાજાનો ઉપરનો તથા નીચેનો ભાગ કોઇ હથિયાર વડે તોડી કબાટની તીજોરી ખોલી તેમાંથી કપાસના વેંચાણના આવેલા રૂા.2 લાખ રોકડા અને યુવાનની પત્નીને લગ્ન સમયે આપેલી સોનાની વીંટી બે નંગ, સોનાની બુટી બે જોડી તથા સોનાની બુટીની છર એક નંગ, સોનાનો ચેઈન એક નંગ મળી કુલ પાંચ તોલાની રૂા.1 લાખના દાગીના મળી કુલ રૂા.3 લાખની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ શેઠવડાળા પીએસઆઈ આર.એલ. ઓડેદરા અને જીતેન્દ્ર માણાવદરીયાને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી.
દરમિયાન શેઠવડાળા પોલીસે બાતમી મુજબના ગોરખડી ગામમાં જ રહેતા કરશન ચકુ જખનીયા અને કુરજી કરશન જખનીયા નામના પિતા-પુત્ર તસ્કરોને દબોચી લઈ તેમની પાસેથી રૂા.1.90 લાખની રોકડ રકમ કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.